વાસણા-ભાયલીરોડ પર દોઢ કલાક ટ્રાફિકજામમાં લોકો હેરાન
રોડ પર જ વાહનોના પાર્કિગથી ટ્રાફિકજામની સમસ્યા ઃ એમ્બ્યૂલન્સ પણ ટ્રાફિકમાં અટવાઇ
વડોદરા, તા.23 વાસણા-ભાયલીરોડ પર આવેલ પુરુષોત્તમ પાર્ટી પ્લોટની આગળ રોજે રોજ ટ્રાફિક સમસ્યાથી આ વિસ્તારમાં આવેલા બંગલાઓમાં રહેતા લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. આજે દોઢ કલાક સુધી ટ્રાફિકજામના કારણે અનેક લોકો રોડ પર જ અટવાયા હતાં.
ઉલ્લેખનીય છે કે શહેરના પશ્ચિમ વિસ્તારમાં થતા વિકાસની સાથે સાથે ટ્રાફિકનો પ્રશ્ન પણ વિકટ બની રહ્યો છે. વાસણા-ભાયલીરોડ પર મોટી મોટી ઇમારતો બની ગઇ છે તેમજ અનેક શૈક્ષણિક સંસ્થાઓ પણ આવેલી છે જેના પગલે રોજે રોજ ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય છે. ટ્રાફિકમાં અટવાયેલા લોકો દ્વારા પોલીસ કંટ્રોલરૃમને જાણ પણ કરવામાં આવે છે તેમ છતાં યોગ્ય કાર્યવાહી નહી થતાં આ વિસ્તારનો લોકો હેરાન થઇ ગયા છે.
નિલાંબર ગ્રેન્ડિયર, ઓરા તક્ષ બંગલો, એલી-૩૩, આધ્યા એરિસ જેવી મોટી સોસાયટીઓ આવેલી છે અને રોજે રોજ દિવસે ટ્રાફિક સમસ્યાનો સામનો આ વિસ્તારની સોસાયટીના રહીશોને કરવો પડે છે. આજે બપોરે વાહનોની લાંબી લાઇનો લાગી હતી જેમાં એક એમ્બ્યૂલન્સ પણ અટવાઇ ગઇ હતી. આશરે દોઢ કલાક સુધી ટ્રાફિકજામમાં લોકો ફસાયેલા રહ્યા હતાં. ખરેખર રોડ પર પાર્ક કરી દેતા વાહનો સામે પગલાં લેવાના બદલે પોલીસ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.