વડોદરામાં આજે પણ ખુલ્લામાં શૌચક્રિયા અને ડ્રેનેજનું અનટ્રીટેડ પાણી નદી નાળામાં જાય છે
- પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટની કોઈ સિસ્ટમ નથી
- કચરાનું પ્રિ પ્રોસેસિંગ થતું નથી
- સફાઈ સેવકોનો પક્ષના કામમાં ઉપયોગ થાય છે
- સફાઈ સેવકોને તેઓના પૂરતા હકો મળતા નથી
- કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં શોષણ થાય છે
વડોદરા,તા.13 જાન્યુઆરી 2024,શનિવાર
વડોદરા સ્વચ્છ સર્વેક્ષણમાં વડોદરા 14મા નંબરેથી 33મા નંબરે ધકેલાઈ ગયું છે. આ વખતે વડોદરાને ઓડીએફ સર્ટિફિકેશનમાં વોટર પ્લસનું રેટિંગ મળ્યું છે. ઓડીએફ એટલે કે ઓપન ડેફીકેશન ફ્રી અર્થાત ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત અને વડોદરાનું મલિન જળ 20 ટકાથી વધુ રી-યુઝ કરવું પરંતુ હકીકત કંઈ જુદી જ છે. કોંગ્રેસ ના નેતા કહે છે કે વોટર પ્લસનું રેટિંગ એટલે વડોદરાના એક પણ ટોયલેટનું પાણી અનટ્રીટેડ નદીનાળામાં ન જવું જોઈએ પણ શું આ સત્ય છે ? મલિન જળ 20 ટકાથી વધુ ટ્રીટેડ કરીને રીયુઝ કરવાની જે વાત છે, તેનું અત્યારે પ્લાનિંગ છે. વડોદરામાં આજે પણ ખુલ્લામાં શૌચક્રિયા થાય છે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટની કોઈ સિસ્ટમ નથી. વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટના બે વર્ષથી ઠેકાણા નથી. લેન્ડફિલ સાઈટ પાંચ વર્ષથી બંધ છે. કચરાનું પ્રિ-પ્રોસેસિંગ થતું નથી. રોજ 1,200 મેટ્રિક ટન કચરો ડમ્પ થાય છે. સિટિઝન વોઇસની કેટેગરીમાં વડોદરાનો 96મો નંબર છે, એટલે કે એક લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં 1 થી 96 શહેરોની ઘન કચરાના નિકાલની વ્યવસ્થા વડોદરા કરતાં સારી છે. વડોદરા ગાર્બેજ ફ્રી સીટી તો છે જ નહીં. બાજુ કોંગ્રેસના પૂર્વ નેતા અને સિનિયર કોર્પોરેટરે વડોદરા શહેરના સફાઈ સેવકોને રાજકારણથી દૂર રાખવા ,પક્ષના કામોમાં તેમનો ઉપયોગ નહીં કરવા, રેલીઓથી દૂર રાખવા અને માત્ર સફાઈની જ કામગીરી કરાવવા શાસકોને ટકોર કરી છે. તેમના કહેવા મુજબ સાચા કર્મચારીના 720 દિવસ થતા નથી કારણ તેને કામ પર જ લેતા નથી. વળી, કોર્પોરેશનમાં સફાઇ સેવકો કોન્ટ્રકટ પધ્ધતિથી લેવામાં આવે છે. જેમાં શોષણ થતુ હોય છે, મહીલા સફાઇ સેવકોની ભરતી બંધ છે. ડોર ટુ ડોર ગાડીઓ માટી અને રોડા ભરીને પણ વજન કરાવે છે. ડોર ટુ ડોરની ગાડી ઉપર પ્લાસ્ટીકના થેલા લટકેલા હોય છે એ લોકો પ્લાસ્ટીક વીણતા ફરે છે.
કોર્પોરેશનમાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે સફાઈ સેવક જે દિવસથી નોકરી પર રહે તે દિવસથી ડ્રેસ આપવામાં આવતા હતા. રોજમદારી કોન્ટ્રાક્ટ પદ્ધતિ ન હતી. તેઓની બીટ નક્કી હતી. તહેવારોમાં લોન અપાતી હતી. સુપરવાઇઝરને પાવર આપવામાં આવતા હતા. વસાહત, પોળ, ચાલીઓ અને સોસાયટીની અંદર સફાઈ સેવક ફાળવતા હતા. સફાઈ સેવક ન આપવામાં આવે તો ઘર દીઠ મહિને 15 રૂપિયા અપાતા હતા એટલે કે સોસાયટીવાળા સફાઈ સેવક રાખી શકતા હતા. જો સફાઈ સેવકોને પૂરતો પગાર અને તમામ હકો આપવામાં આવે તો તેઓ વધુ સારી રીતે કામ કરી શકે અને વડોદરાનો નંબર આગળ આવી શકે.