૮૦ લાખ પડાવી લેનાર આરોપીઓને પોલીસે નોટિસ મોકલી છતાંય હાજર ના થયા
ડોક્ટરની પુત્રીને પી.જી. મેડિકલમાં એડમિશન અપાવવાનું કહી છેતરપિંડી : ત્રણ આરોપીઓને આગોતરા જામીન ના મળ્યા
વડોદરા,ડોક્ટરની પુત્રીને પી.જી. મેડિકલમાં એડમિશન અપાવવાના બહાને મહિલા ડોક્ટર તથા ઉદેપુરના બે ભેજાબાજોએ ૮૦ લાખ પડાવી લીધા હતા. આ ગુનામાં સામેલ ત્રણ આરોપીઓની આગોતરા જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.
સિંધવાઇ માતા રોડની નંદીગ્રામ સોસાયટીમાં રહેતા ડો.રાજેશ માર્કંડભાઇ રાણેની રાવપુરા ટાવર પાસે સ્વર હોસ્પિટલ છે. તેમની પુત્રીને પી.જી. મેડિકલમાં એડમિશન અપાવવાના બહાને ઠગ ટોળકીએ ૮૦ લાખ પડાવી લીધા હતા. મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસમાં ડો.શુભાંગિનીબેન કુમારસીંગ સંપત (રહે.ગેટ વે વિલા, ગુડા રોડ, નાગોલ, હૈદરાબાદ), સિદ્ધાર્થ બસંતકુમાર ગેહલૌત (રહે. આદર્શ નગર, કેસારપુરા રોડ, જિ.શિરોહી, રાજસ્થાન) તથા તારાસીંગ ભૂપેન્દ્રપ્રરાત સિંગ (રહે. સ્વરૃપગંજ, ભવરી, જિ.શિરોહી, રાજસ્થાન) એ આગોતરા જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી.
ફરિયાદી તરફે વકીલ પ્રવિણ ઠક્કરે રજૂઆત કરી હતી કે, આરોપીઓએ રૃપિયા પરત ચૂકવવા માટે કરેલા વાયદા તથા વોટ્સએપ ચેટ પુરાવા રૃપે આપ્યા છે. તપાસ અધિકારીએ આરોપીઓને નિવેદન લેવા માટે હાજર થવા કલમ ૪૧ મુજબની નોટિસ આપવા છતાંય તેઓ હાજર થયા નથી. આવી નોટિસ બજવવા છતાય આરોપીઓ હાજર ના થાય તો કલમ ૪૧ (એ) (૩) ની જોગવાઇ મુજબ આરોપીની ધરપકડ કરવાનો ઉચિત કેસ બને છે.તપાસમાં સહકાર આપવા નહીં હોવાથી આગોતરા જામીન અરજી નામંજૂર કરવી જોઇએ. એડિશનલ સેશન્સ જજ આર.બી.ઇટાલીયાએ આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર કરી નોંધ્યું હતું કે, આવા પ્રકારના ગુનાઓ રોજબરોજ વધતા જાય છે. આવા કેસમાં કોર્ટે પણ યોગ્ય તપાસ થાય તે બાબત લક્ષમાં લેવી જોઇએ.