ઇન્ટર્નશિપ પૂર્ણ થઇ છતાં જૂનિયર ડોક્ટરોને હજુ સુધી લોગબૂક નથી અપાઇ
બરોડા મેડિકલ કોલેજ દ્વારા એનએમસીની ગાઇડ લાઇનનું ઉલ્લંઘન
વડોદરા : બરોડા મેડિકલ કોલેજનો વહીવટ ખાડે ગયો છે. બિમાર લોકોને સાજા કરવા માટે ડોક્ટરો તૈયાર કરતી કોલેજના વહીવટદારોના બિમાર વહીવટના કારણે જૂનિયર (ઇન્ટર્ન)ડોક્ટરોને હેરાનગતી ભોગવવાનો વારો આવ્યો છે. એમબીબીએસના અભ્યાસ પછી એક વર્ષની ઇન્ટર્નશિપ કરતા જુનિયરોને વર્ષના આરંભે જ લોગબૂક આપી દેવાની હોય છે તેના બદલે આખુ વર્ષ પૂર્ણ થઇ ગયુ છતા હજુ લોકબૂક આપવામાં આવી નથી.
જેના આધારે જ સ્ટેટ મેડિકલ કાઉન્સિલમાં ડોક્ટરોનું રજિસ્ટ્રેશન થાય છે તે લોગબૂક વર્ષની શરૃઆતમાં જ આપી દેવાની એનએમસીની સૂચના છે
રાજ્યની તમામ મેડિકલ કોલેજમાં એનએમસીની સૂચના મુજબની નવી લોગબૂક ઇન્ટર્નશિપના પ્રારંભમાં જ આપી દેવામાં આવી છે. તા.૧૪ માર્ચ ૨૦૨૪ના રોજ ઇન્ટર્નશિપ પુરી થઇ રહી છે. બરોડા મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરોને હજુ સુધી લોગબૂક આપવામાં આવી નથી. આ ડોક્ટરો છેલ્લા છ મહિનાથી રજૂઆત કરી રહ્યા છે. પરંતુ મેડિકલ કોલેજના વહિવટદારો એનએમસીની ગાઇડ લાઇનને પણ ઘોળીને પી ગયા છે અને જૂનિયર ડોક્ટરોની રજૂઆત ધ્યાને નથી લઇ રહ્યા જેના કારણે ૨૫૦ જૂનિયર ડોક્ટરો મુશ્કેલીમાં મુકાયા છે.
આઇએનઆઇસીઇટી અને નીટની એક્ઝામ વખતે જ લોગબૂકમાં સિગ્નેચર કરાવવા જૂનિયર ડોક્ટરોએ બે મહિના ધક્કા ખાવા પડશે
બરોડા મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરો એટલે કે જૂનિયર ડોક્ટરોને જો આજે જ લોગબૂક આપી દેવામાં આવે તો પણ સમસ્યાનો અંત નથી આવવાનો કેમ કે લોગબૂકમાં ૧૪ ડિપાર્ટમેન્ટના હેડ અને યુનિટ હેડની સિગ્નેચર કરાવવી પડશે.
ડિપાર્ટમેન્ટ હેડ અને યુનિટ હેડ રોજ ડિપાર્ટમેન્ટમાં આવતા નથી. રજાઓનો પુરે પુરો ઉપયોગ કરે છે એટલે બૂકમાં સિગ્નેચર કરવા એક-એક સપ્તાહનો સમય લગાડે છે. જો સિગ્નેચર માટે વધુ પડતુ દબાણ આવે તો પણ ચાર પાંચ દિવસ તો લગાડે છે. એટલે ૧૪ ડિપાર્ટમેન્ટના હેડ અને યુનિટ હેડની સિગ્નેચર કરાવવા ઓછામાં ઓછા બે મહિનાનો સમય જોઇએ. સમસ્યા એ છે કે તા.૧૯ મેના રોજ આઇએનઆઇ-સીઇટીની અને પછી જુલાઇમાં નીટ (પીજી)ની એક્ઝામ છે. જૂનિયર ડોક્ટરો આ એક્ઝામની તૈયારી કરશે કે બે મહિના લોગબૂકમાં સિગ્નેચર કરાવવા માટે દોડધામ કરશે ?
વર્ષ પુરૃ થયુ પછી સોમવારે ડોક્ટરોને મેસેજ આવ્યો રૃ.૨૬૦ વાળી બ્લેક એન્ડ વ્હાઇટ લોગબૂક જોઇએ છે કે પછી રૃ.૪૬૦ વાળી કલર
બરોડા મેડિકલ કોલેજના જૂનિયર ડોક્ટરોનું ઇન્ટર્નશિપનું એક વર્ષ પૂર્ણ થઇ ગયુ છતાં હજુ સુધી લોગબૂક આપવામાં આવી નથી. ડોક્ટરો સંબંધિત અધિકારીઓને રજૂઆત કરીને થાકી ગયા પણ રજૂઆત ધ્યાને જ લેવામાં આવતી નથી. ડોક્ટરોએ છેલ્લે ૬ ફેબુ્રઆરી, મંગળવારે ડીન ડો. આશિષ ગોખલેને લેખિતમાં રજૂઆત કરી હતી જે બાદ ડોક્ટરોને આજે એવો મેસેજ મળ્યો કે 'તમારે રૃ.૨૬૦ વાળી બ્લેક એન્ડ વ્હાઇટ લોગબૂક જોઇએ છે કે પછી રૃ. ૪૬૦ વાળી કલર લોગબૂક. આ મેસેજ જોઇને ડોક્ટરોને પણ આશ્ચર્ય થયુ છે કે હજુ સુધી તો પ્રિન્ટિંગનો ઓર્ડર પણ નથી આપવામાં આવ્યો. લોગબૂક જો યુનિવર્સિટી કે સરકારી પ્રેસમાં પ્રિન્ટ કરવા આપવામાં આવે તો બ્લેક એન્ડ વ્હાઇટ રૃ.૧૦૦ની અને કલર રૃ. ૨૦૦ની કોસ્ટ પડે પરંતુ હવે છેલ્લી ઘડીએ ખાનગી પ્રેસમાં લોગબૂક પ્રિન્ટમાં આપવા કારસો ઘડવામાં આવ્યો છે.