વડોદરા: પૌરાણિક સિધ્ધનાથ તળાવના બ્યુટીફિકેશન પછી પણ અવદશા
તળાવમાં વરસાદી પાણી ઠાલવતી લાઈન સાથે જ ગટર લાઈનનું જોડાણગટરનું ઓવરફ્લો થયેલું પાણી તળાવમાં ઠલવાતા તળાવમાં ગંદકી
વડોદરા, તા. 13 ફેબ્રુઆરી 2024 મંગળવાર
વડોદરા શહેરની મધ્યમાં આવેલ પૌરાણિક અને ધાર્મિક આસ્થા ધરાવતું સિધ્ધનાથ તળાવ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના લીધે ડ્રેનેજના મલિન જળ થી ગંદુ ગોબરુ અને ગંધાતું બની ગયું છે. તળાવના પાણી પર લીલની ચાદર છવાઈ ગઈ છે. સિધ્ધનાથ તળાવની અંદર સીધે સીધું ડ્રેનેજનું જોડાણ કરીને તળાવની સુંદરતામાં દાગ લાગે તેવું કામ કોર્પોરેશનના તંત્ર દ્વારા કરાયું છે.આ અંગે વારંવાર વિસ્તારના જાગૃત લોકોએ આ તળાવની તકેદારી લેવા લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી . આ વિસ્તારના વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર ના કહેવા મુજબ તાનાજી ની ગલી પાસે કોર્પોરેશનની ડ્રેનેજ લાઈન પસાર થાય છે. આ જ ડ્રેનેજ લાઈન પાસે થી વરસાદી ગટર પણ નીકળે છે.
આ વરસાદી ગટરનું જોડાણ સિધ્ધનાથ તળાવ સાથે છે .ચોમાસા દરમિયાન વરસાદી પાણી તળાવમાં ભરાય તે માટે આ જોડાણ કરવામાં આવેલું છે, પરંતુ કોર્પોરેશનના અધિકારીઓએ ડ્રેનેજ લાઈનનું જોડાણ વરસાદી ગટર સાથે પણ કરેલું છે, એટલે જ્યારે ડ્રેનેજ લાઈન ઓવરફ્લો થાય ત્યારે ઓવરફ્લો થયેલું પાણી વરસાદની ગટર દ્વારા સીધું સિદ્ધનાથ તળાવમાં ઠલવાય છે. વરસાદી ગટર લાઈન સાથેનું ડ્રેનેજનું જોડાણ બંધ કરી દેવા માટે અવારનવાર રજૂઆતો કરી હોવા છતાં પણ તે બંધ કરાતું નથી. આશરે 1000 ઘરનું પાણી તળાવમાં આવે છે. જેના લીધે અત્યારે તળાવની આ હાલત થઈ છે. સિધ્ધનાથ તળાવનો બ્યુટીફિકેશન પાછળ કરોડોના ખર્ચ પછી પણ આ તળાવની અવદશા નજરે ચડે છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વડી કચેરીથી ખૂબ નજીકના અંતરે આ તળાવ આવેલ હોવા છતાંય તંત્ર આ બાબતે નિષ્ક્રિય રહ્યું છે . આ બાબતે જો કોઈ પગલા નહીં લેવામાં આવે તો ના છુટકે મુખ્યમંત્રી ને આ રજૂઆત કરવામાં આવશે તેમ પણ કમિશનરને લખેલા પત્રમાં જણાવાયું છે.