NRI સાથે ૧.૧૮ કરોડની છેતરપિંડી કરનાર એસ્ટેટ બ્રોકરની આગોતરા નામંજૂર
છેતરપિંડીના ગુનાઓ વધી રહ્યા છે,આગોતરા જામીન અપાય તો સમાજમાં તેની વિપરીત અસર પડે : અદાલત
વડોદરા,વડોદરામાં પ્રોપર્ટી ખરીદનાર એન.આર.આઈ.બંધુ પાસે બક્ષિસ લેખ લખાવનાર એસ્ટેટ બ્રોકરે ૧૦ ફલેટો વેચી મારી ૧.૧૮ કરોડની છેતરપિંડી કરી હતી. જે ગુનામાં એસ્ટેટ બ્રોકરની આગોતરા જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.
ધર્મજ નજીક રણોલીના વતની અને યુકેમાં સ્થાયી થયેલા સિનિયર સિટિઝન જીતેન્દ્ર રાવજીભાઈ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, મેં તેમજ મારા ભાઈ નિતીને વડોદરામાં પ્રોપર્ટી ખરીદવાનું નક્કી કર્યું હતું અને વર્ષ-૨૦૧૧માં માંજલપુર વિસ્તારમાં ક્રિષ્ના એવન્યૂ તેમજ ગોત્રીમાં સંકલ્પ ફ્લેટમાં જુદા-જુદા ફ્લેટ્સ ખરીદ્યા હતા.
બે વર્ષ પહેલાં તેજસ મહેન્દ્રભાઈ ભટ્ટ (પરમ પેરેડાઇઝ, રામેશ્વર વિદ્યાલય પાછળ,ગોત્રી રોડ) સાથે પરિચય થયો હતો. એસ્ટેટ બ્રોકર તેજસ ભટ્ટે ફોર્ચ્યુન ચેમ્બર્સ ખાતેની ઓફિસે બોલાવી આ ફ્લેટોનો સારો ભાવ અપાવવાની ખાત્રી આપી હતી.જેથી, તેના પર વિશ્વાસ રાખી બક્ષિસ લેખ કરી આપ્યા હતા.
એસ્ટેટ બ્રોકરે છ ફ્લેટ વેચી અમારી સાથે નક્કી કરેલા ૧.૧૮ કરોડ ચૂકવ્યા નહતા. આ ગુનામાં જેલવાસ ટાળવા માટે આરોપી તેજસ ભટ્ટે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.સરકારી વકીલ ડી.જે.નાળિયેરીવાળાએ રજૂઆત કરી હતી કે, તપાસ પ્રાથમિક તબક્કામાં હોઇ આગોતરા જામીન મંજૂર કરવામાં આવશે તો આરોપી તપાસમાં સહકાર આપશે નહીં. એડિશનલ સેશન્સ જજ આર.એચ. પ્રજાપતિએ અરજી નામંજૂર કરી હતી. અદાલતે નોંધ્યું હતું કે, હાલના સમયમાં છેતરપિંડીના ગુનાઓનું પ્રમાણ વધુ રહ્યું છે. સમાજમાં ઘણા નિર્દોષ વ્યક્તિઓ તેનો ભોગ બને છે. આવા ગુનામાં આગોતરા જામીનથી રક્ષણ આપવામાં આવે તો સમાજમાં તેની વિપરીત અસર પડે. વ્યક્તિગત હિતની સામે સમાજનું હિત લક્ષમાં આવે તો તપાસના તબક્કે જ આગોતરા જામીન પર મુક્ત કરવામાં આવે તો સમાજનું હિત જળવાશે નહીં અને આ પ્રકારના ગુનાઓનું પ્રમાણ વધશે.