મોર્નિંગ વોકમાં નીકળેલા કન્સલ્ટન્ટના ગળામાંથી સોનાની ચેન તોડીને ફરાર
પરશુરામ ભઠ્ઠામાં પાણી ભરતા વૃદ્ધાના ગળામાંથી અછોડો તોડીને આરોપી ભાગી ગયો
વડોદરા,મકરપુરા રોડ પર મોર્નિંગ વોક માટે નીકળેલા કન્સલ્ટન્ટના ગળામાંથી સોનાની ચેન તોડીને રિક્ષામાં આવેલા આરોપીઓ ભાગી છૂટયા હતા. માંજલપુર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
લાલબાગ નમ્રતા સોસાયટીમાં રહેતા વિશાલભાઇ દેવેન્દ્રભાઇ ભાવસાર ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટિંગનું કામ કરે છે.તેમની ઓફિસ અકોટા રાધાકૃષ્ણ ચાર રસ્તા પાસે ઇમ્પેરિવ કોમ્પલેક્સમાં છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, આજે હું મારા ઘરેથી ચાલવા માટે નીકળ્યો હતો. હું ભવન સ્કૂલથી સુશેન સર્કલ તરફ ચાલતો જતો હતો. તે સમયે ઓક્ઝેલિયમ સ્કૂલની સામે સવારે છ વાગ્યે એક રિક્ષા મારી પાછળથી આવી હતી. રિક્ષામાં પાછળ બેસેલા વ્યક્તિએ એકદમ મારા હાથમાંથી સોનાની પેન્ડલવાળી ચેન તોડી મને ધક્કો મારતા હું નીચે પડી ગયો હતો. પડી જવાથી મને ડાબા પગના ઘુંટણ તથા ડાબા હાથની હથેળી પર ઇજા થઇ હતી. તેમજ ગળા પણ ઇજા થઇ હતી. આરોપીઓ સુશેન સર્કલ તરફ ભાગી ગયા હતા. આરોપીઓ ૮૦ હજારની કિંમતની ચેન તોડીને ભાગી ગયા હતા. જે અંગે મકરપુરા પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
જ્યારે અન્ય એક બનાવમાં સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા પાસે સંત કબીર નગરમાં રહેતા મધુબેન શિવાભાઇ પરમાર (ઉ.વ.૬૫) ઘરકામ કરે છે. દીકરાના અવસાન પછી દીકરી જમાઇ સાથે રહેતા મધુબેન આજે સવારે ઘરે એકલા હતા. બપોરે એક વાગ્યે તેઓ પાણી ભરતા હતા. તે દરમિયાન એક અજાણ્યો શખ્સ મોંઢા પર રૃમાલ બાંધીને આવ્યો હતો. તેણે મધુબેનના ગળામાંથી સોનાની અડધા તોલા વજનની ચેન તોડીને ભાગી ગયો હતો. અચાનક આરોપીએ ગળામાંથી સોનાની ચેન તોડી લેતા મધુબેન દીવાલ સાથે અથડાતા તેઓને જમણા ગાલ પર ઇજા થઇ હતી. જે અંગે સયાજીગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.