રામ મંદિર પ્રતિષ્ઠાના પાવન દિવસે દસ્તાવેજ કરવાનો મિલકતધારકોમાં ઉત્સાહ
૨૨ જાન્યુઆરીના એડવાન્સ ટોકન બુક થઈ ગયા
આજે અડધા દિવસની રજા હોવાથી દસ્તાવેજ નોંધણીની કામગીરી પણ મોડી રાત સુધી ચાલે તેવા સંકેત
ગાંધીનગર : આવતીકાલે ૨૨ જાન્યુઆરીએ ભગવાન શ્રીરામના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો છે ત્યારે ત્યારે આ દિવસને યાદગાર બનાવવા માટે લોકો નવા નવા આયોજનો કરી રહ્યા છે પ્રસુતા મહિલાઓએ દ્વારા પણ આ દિવસે ડિલિવરી માટે ઉત્સાહ બતાવવામાં આવ્યો છે તો હવે મિલકત ધારકો પણ આવતીકાલે ૨૨ જાન્યુઆરીએ તેમની મિલકતોના દસ્તાવેજ માટે ભારે ઉત્સાહી છે. સબ રજીસ્ટ્રાર કચેરીમાં ટોકન મેળવવાની એડવાન્સ પ્રથા છે ત્યારે સંખ્યાબંધ મિલકત ધારો દ્વારા ૨૨ જાન્યુઆરીએ દસ્તાવેજ કરવાનું નક્કી કરીને ટોકન મેળવી લીધા હતા.
અહીં બે શિફ્ટમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલી રહી છે પરંતુ સરકાર દ્વારા આવતીકાલે અડધા દિવસની સરકારી રજા જાહેર કરવામાં આવી છે જેના પગલે મોટી સંખ્યામાં મિલકત ધારકોએ દસ્તાવેજ માટે ટોકન મેળવી લીધા હોવાથી કોઈ પ્રશ્નો ઊભો ના થાય તે માટે મોડી રાત સુધી દસ્તાવેજ નોંધણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ટોકન મેળવી લેનાર અરજદારોને બપોરે ૨.૩૦ વાગ્યાથી બોલાવી લેવામાં આવશે અને મોડી રાત સુધી દસ્તાવેજ નોંધણીની કામગીરી કરવામાં આવશે મકાન દુકાન કે જમીન ખરીદનાર વ્યક્તિઓ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દિવસને યાદગાર તરીકે રાખવા માટે દસ્તાવેજ નોંધણી કરાવી રહ્યા છે.