નવરાત્રી નજીક આવતા ખેલૈયાઓ પરંપરાગત વસ્ત્ર-આભૂષણની ખરીદીમાં વ્યસ્ત

દર વર્ષની જેમ આ વર્ષે પણ મા શક્તિ ગરબામાં દીકરીઓ માટે ફ્રી એન્ટ્રી, યુનાઇટેડ-વેએ 150 સ્વયં સેવકોને સીપીઆરની તાલીમ આપી

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
નવરાત્રી નજીક આવતા ખેલૈયાઓ પરંપરાગત વસ્ત્ર-આભૂષણની ખરીદીમાં વ્યસ્ત 1 - image


વડોદરા : ૧૫ ઓક્ટોબર રવિવારથી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. ૧૨ દિવસ બાકી રહ્યા છે. જો કે ખેલૈયાઓમાં અત્યારથી જ થનગનાટ જોવા મળી રહ્યો છે અને ખરીદીમાં વ્યસ્ત છે. બીજી તરફ વરસાદ બંધ થતા મેદાનો કોરા થયા છે એટલે ગરબા આયોજકો પણ તૈયારીઓમાં જોતરાઇ ગયા છે. 

૩૫ વર્ષથી સ્પોન્સર કે ફંડફાળા વગર યોજાતા 'મા શક્તિ' ગરબા

છેલ્લા ૩૫ વર્ષથી સ્પોન્સરશિપ અને ફંડફાળા વગર યોજાતા 'મા શક્તિ' ગરબાના આયોજક જયેશ ઠક્કર અને આરતી ઠક્કરે કહ્યું હતું કે 'વડોદરામાં અન્ય ગરબા કરતા અમારા ગરબા એટલા માટે અનોખા છે કે લાર્જ સ્કેલ ઉપર યોજાતા હોવા છતાં પણ અમે ફંડાફાળો અને સ્પોન્સરશિપ તો ઠીક દીકરીઓ પાસેથી પાસના પૈસા પણ નથી લેતા. દીકરીઓ માટે અમારા ગરબા સદંતર ફ્રી છે ઉપરાંત લેડિઝ સિક્યોરિટી સ્ટાફ અને મેકઅપ બુથ પણ રાખીએ છીએ. આ વખતે તમામ ૯ દિવસ ખેલૈયાઓની સ્પર્ધા થશે અને ઇનામોની વણઝાર થશે. અત્યાર સુધીમાં ૨૦ હજારથી વધુ તો રજિસ્ટ્રેશન થઇ ગયા છે. દર વર્ષની જેમ ગાયકવૃંદમાં અચલ મહેતા  ગૃપ છે. બે એમ્બ્યુલન્સ અને ચાર ડોક્ટરોની ટીમ સાથે તાલીમ પામેલા સ્વયં સેવકો ગ્રાઉન્ડ ખાતે હાજર હશે જેથી ખેલૈયાઓને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા ઉભી થાય તો તુરંત સારવાર મળી રહે. સમતા ગ્રાઉન્ડ પર ગરબા યોજાશે'

યુનાઇટેડ-વેએ ૧૫૦ સ્વયં સેવકોને CPR તાલીમ આપી

યુનાઇટેડ વે અને પોલો ક્લબના પ્રમુખ હેમંત શાહે કહ્યું હતું કે 'યુનાઇટેડ વેના ગરબા ગત વર્ષની જેમ આ વર્ષે પણ કલાલી ગ્રાઉન્ડ ઉપર યોજાશે. અતુલ પુરોહિત ગૃપ અમારા ગરબાની ઓળખ છે.આ વખતે ગ્રાઉન્ડ ઉપર ગ્રીન લોન તૈયાર કરવામાં આવી છે જેથી ખેલૈયાઓ આરામથી રમી શકે. એમ્બ્યુલન્સ ઉપરાંત મેદાનની બે તરફ મેડિકલ યુનિટ તૈયાર કરવામાં આવશે જેમાં ચાર ડોક્ટરો ઉપરાંત પેરા મેડિકલની ટીમ પણ હાજર રહેશે. ૧૫૦થી વધુ સ્વયં સેવકોને સીપીઆર અને ફર્સ્ટ એઇડની તાલીમ આપવામાં આવી છે જેથી કોઇ ઇમરજન્સી વખતી તુરંત સારવાર આપી શકાય. મેદાનના તમામ ભાગોમાં ખેલૈયાઓ અને દર્શકોને પાણી મળી રહેશે. આજ સુધીમાં ૨૧ હજાર રજિસ્ટ્રેશન થયા છે, ૩૦ હજારની ઉપર આંકડો જશે. ફુટકોર્ટ પણ આ વખતે એક તરફ નહી બન્ને તરફ બનાવવામાં આવ્યો છે જેથી ખેલૈયાઓનો એક તરફ ધસારો ના થાય'

પોલો ક્લબમાં ગ્રાઉન્ડ પર 'પોલ ફેન' લગાવવામાં આવશે

પોલો ક્લબમાં પિયુષ પરમાર અને ગૃપના તાલે લોકો ગરબા ઝુમશે. ગ્રીન લોનવાળા ગ્રાઉન્ડની બાઉન્ડ્રી અને પ્રેક્ષક એરિયામાં વિશાળ પાંખીયાવાળા 'પોલ ફેન' લગાવવામાં આવશે જેથી લોકોને ગરમીનો અનુભવા ના થાય. પાર્કિંગ એરિયા વિશાળ બનાવવામાં આવ્યો છે એટલે ટ્રાફિકની સમસ્યા પણ નહી થાય.તેમ પોલો ક્લબના પ્રમુખ હેમંત શાહે કહ્યું હતું

મહિલાઓના સન્માનની થીમ પર એલવીપીના ગરબા યોજાશે

લક્ષ્મીવિલાસ પેલેસ દ્વારા આયોજીત ગરબા અંગે વાત કરતા મહારાણી રાધિકારાજે ગાયકવાડે કહ્યું હતું કે 'હેરિટેજ લક્ષ્મીવિલાસ પેલેસના સાનિધ્યમાં મોતીબાગ ગ્રાઉન્ડ પર ગરબા રમવા એ વાત જ અનોખી છે. સચિન અને અસિતા લીમયેના સૂરમાં લોકો મન મુકીને ગરબે રમી શકે તે માટે ગ્રાઉન્ડ પર લોન તૈયાર કરવામાં આવી છે. ઇમરજન્સી માટે મેડિકલ ટીમ તૈયાર રહેશે. મહિલાઓના સન્માનમાં આ વખતે અમારા ગરબા 'નારી દેવી' થીમ પર યોજાશે. રજિસ્ટ્રેશન માટે ખૂબ ધસારો છે'


Google NewsGoogle News