વડોદરા નજીકના ખાનપુર ગામે કોરોનાના વધુ બે કેસ, ગામમાં આવજા સંપૂર્ણ પણે બંધ
વડોદરાઃ વડોદરા નજીક ખાનપુર ગામે કોરોનાએ કહેર મચાવતાં સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયા બાદ હવે ગામમાંથી અવરજવર પણ સદંતર રીતે બંધ કરી દેવામાં આવી છે.
ખાનપુર ગામે દસ દિવસના ગાળામાં જ કોરોનાના ૫૧ પોઝિટિવ કેસો આવતાં ઉહાપોહ સર્જાયો છે.ગામના સરપંચે સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરી અસરગ્રસ્ત ફળિયાઓમાં અવરજવર બંધ કરી દેવાનો તેમજ દુકાનો અને મંદિરો પણ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
આજે વધુ બે પોઝિટિવ કેસ આવતાં હવે ગામમા બહારની એન્ટ્રી સદંતર બંધ કરી દેવામાં આવી છે.જ્યારે,ગામમાંથી ઇમરજન્સી સિવાય કોઇ બહાર નહીં જઇ શકે તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.આ માટે મુખ્ય પ્રવેશદ્વાર પર બાંબુ મુકી આડશ કરવામાં આવી છે.
બીજીતરફ આરોગ્ય વિભાગની ટીમો પણ દોડતી થઇ છે.જિલ્લા વિકાસ અધિકારીએ કહ્યું હતું કે,ગામના એન્ટ્રી ગેટ પાસે ધન્વન્તરી રથ મૂકવામાં આવ્યો છે.જેથી લોકો ટેસ્ટ કરાવી શકે તેમજ સારવાર લઇ શકે.હાલમાં સ્થિતિ કાબૂમાં છે.