હરણી બોટ દુર્ઘટનામાં બે ઇજનેરને સસ્પેન્ડ કરતા ઇજનેરોની બદામડી બાગ ખાતે બેઠક મળી : પુન:વિચારણા કરવા રજૂઆત કરશે
વડોદરા,તા.19 ફેબ્રુઆરી 2024,સોમવાર
વડોદરા હરણી બોટ દુર્ઘટનાની ઘટનામાં બેજવાબદારી રાખવા બદલ ગત શનિવારના રોજ એક ઇજનેરને સસ્પેન્ડ તથા અન્ય એકને ટર્મિનેટ કરવાનો નિર્ણય કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યો હતો. પાલિકા તંત્રએ લીધેલા નિર્ણયના વિરોધમાં તથા કાર્યવાહીનો સામનો કરી રહેલા કર્મચારીઓના સમર્થનમાં આજે બદામડી બાગ ખાતે કોર્પોરેશનના આસિસ્ટન્ટ ઇજનેરો એકઠા થયા હતા. તેઓએ આ અંગે મીડિયા સમક્ષ કોઈ ચોક્કસ રજૂઆત કરવાનું ટાળ્યું હતું પરંતુ ઉચ્ચ અધિકારીઓએ પોતે લીધેલા નિર્ણય મામલે પુનઃ વિચારણા કરે તેવી રજૂઆત થશે તેમ જણાવ્યું હતું.
તારીખ 18 જાન્યુઆરીના રોજ શહેરના હરણી તળાવમાં ગોઝારી બોટ દુર્ઘટના બની હતી. જેમાં 14 વિદ્યાર્થીઓ અને બે શિક્ષક મળી કુલ 16 લોકોના મોતથી હાહાકાર મચી ગયો હતો. આ મામલે રાજ્ય સરકાર દ્વારા અપાયેલા આદેશ અંતર્ગત જિલ્લા કલેક્ટરે પોતાનો અહેવાલ તૈયાર કરી સરકારને સુપ્રત કર્યો હતો. સરકારે આપેલી સૂચના મુજબ થયેલી કાર્યવાહીની સાથો સાથ પાલિકા તંત્રએ પણ પોતે અલગથી આ મામલે તપાસ શરૂ કરી હતી. ડેપ્યુટી કમિશનરને સોંપેલી તપાસમાં 6 અધિકારીઓ અને કર્મચારીઓને આ અંગે શોકોઝ નોટિસ પાઠવવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં કોર્પોરેશને ગત શનિવારના રોજ દુર્ઘટના અંગે જવાબદાર ગણી ઉત્તર ઝોનના આસિસ્ટન્ટ એન્જિનિયર જીગર સાયનીયાને સસ્પેન્ડ કરી દીધા હતા. જ્યારે ફ્યુચરિસ્ટિક સેલના આસિસ્ટન્ટ એન્જિનિયર મિતેશ માળીને ટર્મિનેટ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. તંત્રએ લીધેલા નિર્ણયના કારણે નારાજ આસિસ્ટન્ટ એન્જિનિયરો આજે બદામડી બાગ ખાતે એકઠા થયા હતા. તેઓએ આ મામલે મીડિયા સમક્ષ કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. પરંતુ હોળી દુર્ઘટના અંગે તંત્રએ જે નિર્ણય લીધો છે તે નિર્ણય અંગે પુનઃ વિચારણા થાય અને ઉચ્ચ અધિકારીઓને બચાવવાના હેતુથી નાના કર્મચારીઓ સામે જે કાર્યવાહી થઈ રહી છે તે રોકવામાં આવે તેવી રજૂઆત કમિશનર સહિત ઉચ્ચ કક્ષાએ કરવામાં આવશે તેમ મૌખિક જણાવ્યું હતું. આસિસ્ટન્ટ એન્જિનિયર કક્ષાના અધિકારીઓએ આ મામલે બાયો ચઢાવતા કમિશનર કચેરીના અધિકારીઓ દોડતા થયા છે.