કમળાની સારવાર લેતી એન્જિનિયરીંગની વિદ્યાર્થિનીનું મોત
તાંત્રિકે આપેલો પાવડર પીવાથી મોત થયું હોવાની વિગતો આવતા પોલીસ દોડતી થઇ
વડોદરા,મૂળ મધ્યપ્રદેશની અને કોમ્પ્યુટર એન્જિનિયરીંગનો અભ્યાસ કરતી યુવતી એક સપ્તાહથી બીમાર હતી. મોડીરાતે ડોક્ટરની દવા તેમજ તાંત્રિકે આપેલો પાવડર પીને સૂઇ ગયા પછી સવારે તે ઉઠી જ નહતી. જે અંગે કપુરાઇ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.
વાઘોડિયા રોડ વૈકુંઠ સોસાયટીની બાજુમાં શ્રીજી એવન્યુમાં ભાડાના મકાનમાં રહેતી અવનિ ગોવિંદભાઇ શર્મા મૂળ મધ્યપ્રદેશની છે. છેલ્લા અઢી વર્ષથી તે પારૃલ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જિનિયરીંગમાં અભ્યાસ કરતી હતી. અઢિ મહિનાથી અવનિ અને તેની સાથે અભ્યાસ કરતો તનીશ ચકોટે શ્રીજી એવન્યુમાં ભાડે રહેતા હતા. છેલ્લા ૭ દિવસથી તેને પેટમાં દુખાવો અને ઉલટીઓ થતી હતી. ગત તા.૩૦ મી થી ખાનગી ક્લિનિકમાં તેની દવા ચાલુ હતી. અવનિને કમળો હોવાથી તેણે દેશી ઉપચાર પણ શરૃ કર્યો હતો. ત્યાંથી અવનિને ફાકી (પાવડર) આપ્યો હતો. ગત તા. ૨ જી એ તેને ક્લિનિકમાંથી દવા લીધી હતી. ત્યારબાદ મોડીરાતે દવા અને પાવડર પીને તે સૂઇ ગઇ હતી. સવારે તે ઉઠી નહતી. જેથી, ચેક કરાવતા જાણવા મળ્યું કે, તેનું અવસાન થયું છે. મૃતદેહને સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાં અવિનના મિત્રે એવું જણાવ્યું હતું કે, તાંત્રિકે આપેલો પાવડર તેમજ ડોક્ટરે આપેલી દવા લેતા તેનું મોત થયું છે. બનાવ અંગે કપુરાઇ પોલીસને જાણ કરવામાં આવી હતી. કપુરાઇ પોલીસની તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, પાવડર કોઇ તાંત્રિકે નહીં પણ કમળાની દેશી ઉપચાર કરનાર વ્યક્તિએ આપ્યો હતો. તેમછતાંય, પોલીસે પાવડરની પડીકી કબજે લઇ તપાસ માટે એફ.એસ.એલ.માં મોકલી આપી છે. તેમજ મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહનું પી.એમ. કરાવ્યું છે. જોકે, પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાઇ આવ્યું હતું કે, અવનિને કમળો થયો હતો અને તેના કારણે જ તેનું મોત થયું છે. પી.એમ.રિપોર્ટ આવ્યા પછી જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.