પૂણેની ઇન્વેસ્ટમેન્ટ કંપનીમાં 11 મહિનામાં 3 ગણી રકમની સ્કીમમાં વડોદરાના ઇજનેરે 12 લાખ ગૂમાવ્યા
વડોદરાઃ શહેરની ખાનગી કંપનીમાં ફરજ બજાવતા એન્જિનિયરને તેમના જ પરિચિત એજન્ટે પૂણેની કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને ૧૧ મહિનામાં ૩ ગણી રકમની સ્કીમમાં ફસાવી રૃ.૧૨.૪૪ લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
હરણી-મોટનાથ રોડ પર સિધ્ધાર્થ સ્કવેરમાં રહેતા એન્જિનિયર મિલન શાહે પોલીસને કહ્યંુ છે કે,ડિસેમ્બર-૨૦૨૨માં મારા પરિચિત મનુ છગનભાઇ સોલંકી(પામોલ, બોરસદ) અને માન્વેન્દ્ર ડી ગોહિલ(શ્રીજી પાર્ક સો ફૂટ રોડ,બોરસદ)મને મળવા આવ્યા હતા અને પૂણેની માર્ક વર્લ્ડ કંપનીમાં રોકાણની સ્કીમ સમજાવી ૧૧ મહિનામાં ત્રણ ગણી રકમ મળશે તેમ કહ્યું હતું.
આ કંપનીના સંચાલક બસવરાજ હિરોલે (સોલાપુર,મહારાષ્ટ્ર) હતા અને મને સ્કીમ સમજાવી રોકાણ કરાવનાર પરિચિત એજન્ટ હતા.જ્યારે,દિનેશ ઉદેસિંહ પરમાર(પોરડા, પેટલાદ) ટીમ લીડર હતા.તેમણે મારી સાથે હોટલોમાં મીટિંગ પણ કરી હતી.
એન્જિનિયરે કહ્યું છે કે,મેં તેમજ મારા પત્ની અને મામાએ કુલ રૃ.૧૪.૪૪ લાખનું ઇન્વેેસ્ટમેન્ટ કર્યું હતું.જેમાંથી રૃ.૨ લાખ પરત મળ્યા છે અને બાકીની રકમ મળી નથી.જેથી હરણી પોલીસે કંપનીના સંચાલક સહિત ચારેય જણા સામે ગુનો નોંધ્યો છે.