વડોદરાના મંગળ બજાર વિસ્તારમાં દબાણ શાખાની ટીમ ત્રાટકી : દબાણ હટાવ્યા બાદ ફરી જૈસે થે પરિસ્થિતિ
image : File photo
Vadodara Corporation : વડોદરા શહેરના હાર્દ સમા અને દબાણથી માથાના દુખાવા રૂપ બનેલા મંગળ બજાર વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા વધુ એકવાર ગેરકાયદે લારી ગલ્લા પથારાના દબાણો હટાવવાની કાર્યવાહી કરી હતી. અને બે ટ્રક ભરી માલ જપ્ત કર્યો હતો. પરંતુ દબાણ શાખાની ટીમ ગયા પછી ફરી પાછી પરિસ્થિતિ જૈસે થે થઈ જતી હોવાના અવારનવાર કિસ્સા બન્યા છે.
જોકે દબાણ શાખાની ટીમ આ વિસ્તારમાં ત્રાટકેએ અગાઉ દબાણ કરીને વેપાર ધંધો કરનારાઓને યેનકેન જાણ થઈ જતી હોવાથી લગભગ વિસ્તાર દબાણથી મુક્ત જણાયો હતો. મંગળ બજારમાં લારી ગલ્લા પથારાના દબાણ રોજિંદા બની ગયા છે. જ્યારે દુકાનદારો પણ અડધો રસ્તો રોકાઈ જાય એવા લટકણીયા લટકાવતા હોય છે. જેથી રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે અગવડ પડે છે. જોકે વાહન ચાલકો આ રસ્તેથી પસાર થવાનું મોટેભાગે ટાળતા હોય છે. દરમિયાન આજે સવારથી જ પાલિકાની દબાણ શાખા આ વિસ્તારમાં સક્રિય થઈ હતી. કેટલાક દબાણો હટાવ્યા હતા. જોકે અનેક ગેરકાયદે દબાણ કરનારાઓ પાલિકાની દબાણ શાખાની ટીમ દેખાતા વિસ્તારમાં ફરકયા ન હતા.