વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ છતાં હપ્તાના રાજકારણને લીધે લહેરીપુરા, મંગળ બજાર, નવા બજારના દબાણો "જેસે થે"

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ છતાં હપ્તાના રાજકારણને લીધે લહેરીપુરા, મંગળ બજાર, નવા બજારના દબાણો "જેસે થે" 1 - image

image : Wikipedia

વડોદરા,તા.26 ઓક્ટોબર 2023,ગુરૂવાર

વડોદરા શહેરમાં બીલાડીના ટોપની જેમ ચાર દરવાજા વિસ્તાર સહિત અનેક જાહેર રસ્તાઓ ઉપર ગેરકાયદે દબાણનો રાફડો ફાટ્યો છે છતાં પણ તંત્રને આ દબાણો હટાવવામાં રાજકારણ કે પછી હપ્તાકરણ નડી રહ્યું છે એ સમજાતું નથી.

અમિત નગર અને ફતેગંજ બ્રિજ નીચે અઠે દ્વારકા કરીને પડી રહેતા શ્રમજીવીઓ અને રમકડાવાળાઓને આજે ફરી પાલિકાની દબાણ શાખાએ વહેલી સવારથી જ ખદેડી દેવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના ચાર દરવાજા વિસ્તાર મંગળ બજાર, લહેરીપુરા, નવા બજાર સહિત તમામ વિસ્તારમાં રાહદારીઓને ચાલવાની જગ્યા પણ નથી મળતી એવા ટાણે દુકાનદારો અને લારી ગલ્લા પથારાવાળાઓ ગેરકાયદે દબાણ કરીને રસ્તાઓ રોકી લે છે. વાહન વ્યવહારને પણ ખુબ અડચણ પડે છે. જેમાં કેટલીકવાર તકરારના પણ દ્રશ્યો સર્જાય છે. 

આમ છતાં હપ્તાનું રાજકારણ અને રાજકારણીઓની રાજ રમતને હિસાબે આવા દબાણ કરનારાઓ ખુલ્લેઆમ દાદાગીરી કરતા હોય છે. રાહદારીઓને ચાલવાની જગ્યા નથી ઉપરાંત વાહન ચાલકો પણ ભારે મુસીબતનો સામનો કરે છે. નજીવી બાબતે તકરારના દ્રશ્યો વારંવાર સર્જાયા કરે છે આ રસ્તે થી પસાર થતા પોલીસ કર્મીઓ પણ સબ સલામતની ગુલબાંગ પોકારતા પસાર થઈ જાય છે.

જ્યારે બીજી બાજુ પાલિકા તંત્રને આ દબાણો હટાવવાની ફુરસદ મળતી નથી. જેથી દાળમાં કંઈક કાળું નહીં પણ સમગ્ર દાળ જ કાળી હોવાની ગંધ આવે છે. દરમિયાન ફતેગંજ બ્રિજ અને અમિત નગર બ્રિજ નીચે કોઈને પણ નડતરરૂપ ન થાય એવી રીતે શ્રમજીવીઓ અને રમકડા વેચનારાઓ પડી રહેતા હોય છે. રોજનું લાવીને ખાનારા ગરીબ લોકોને પાલિકાની દબાણ શાખાની ટીમે આજે ફરી એકવાર ખદેડીને બ્રિજ નીચેની જગ્યા ખુલ્લી કરાવી દીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આવા બ્રિજ નીચે પડી રહેનારા લોકો આસપાસમાં ગંદકી પણ ફેલાવતા હોય છે જેથી પાલિકાની દબાણ શાખા આવા લોકોને ખસેડેએ પણ વ્યાજબી છે.


Google NewsGoogle News