આર્કિટેકચર વિભાગ બાદ લો ફેકલ્ટી કેમ્પસમાંથી દારુની ખાલી બોટલ મળી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના આર્કિટેકચર વિભાગમાંથી ત્રણ દિવસ પહેલા દારુની બોટલો મળતા હોબાળો થયો હતો.એ પછી આજે લો ફેકલ્ટી કેમ્પસમાંથી પણ દારુની ખાલી બોટલ મળતા ચકચાર મચી જવા પામી છે.આ ઘટનાએ ફરી એક વખત કેમ્પસની સિક્યુરિટી વ્યવસ્થા પર સવાલો સર્જયા છે.જોકે સત્તાધીશો સિક્યુરિટીને લઈને સ્હેજ પણ ચિંતિત નથી.
મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટીના ડોનર્સ પ્લાઝામાં આવેલી લો ફેકલ્ટીના કેમ્પસમાં દારુની ખાલી બોટલ પડી હતી અને તેનો વિડિયો એક વિદ્યાર્થીએ ઉતારીને વાયરલ કર્યો હતો.
આજે લો ફેકલ્ટીના એલએલબી કોર્સની પ્રવેશ પરીક્ષા હતી અને ૧૦૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવ્યા હતા.તેમની સાથે વાલીઓ પણ હતા.દારુની બોટલના કારણે ફેકલ્ટીની આબરુના ધજાગરા થયા હતા.
દરમિયાન ફેકલ્ટી ડીને કહ્યું હતું કે, મને આ બાબતની કોઈ જાણકારી નથી અને મારો કોઈ વિદ્યાર્થીએ સંપર્ક કર્યો નથી.કોઈ પણ ઘટના અમારા ધ્યાનમાં આવે તો કાર્યવાહી કરવામાં આવતી જ હોય છે.