યુનિ.ના ક્વાર્ટર્સમાં રહેતા અધ્યાપકો અને કર્મચારીઓ રાત્રે ચોકી-પહેરો કરશે
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના રહેણાંક ક્વાર્ટર્સ અધ્યાપક નિવાસમાં રહેતા અધ્યાપકો અને કર્મચારીઓ અને તેમના પરિવારો છેલ્લા કેટલાક સમયથી તસ્કરોના ત્રાસથી પરેશાન છે.
છેલ્લા કેટલાક દિવસોમાં અહીંંયા ઉપરા છાપરી ત્રણ ચોરીઓના બનાવ બન્યા છે.એક મહિના પહેલા અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ આ વિસ્તારમાંથી મળી આવતા અહીં રહેનારા પરિવારોમાં ગભરાટની લાગણી ફેલાઈ હતી.એ પછી સંકુલમાં આવેલા મંદિરની તિજોરીના તાળા તૂટી ચુકયા છે.ઉપરાંત પરીક્ષા વિભાગમાં તેમજ પોલીટેકનિકમાં ફરજ બજાવતા બે કર્મચારીઓના ઘરમાંથી પણ ચોરી થઈ ચૂકી છે.
અહીંયા રહેતા એક અધ્યાપકે કહ્યું હતું કે, અધ્યાપક નિવાસમાં લગભગ ૪૦૦ જેટલા ક્વાર્ટર્સ આવેલા છે.અહીંયા રહેતા અધ્યાપકો અને કર્મચારીઓએ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો.ચૂડાસમા સમક્ષ વારંવાર સિક્યુરિટી ગાર્ડ ફાળવવા માટે રજૂઆત કરેલી છે.જેનુ રાબેતા મુજબ કોઈ પરિણામ આવ્યું નથી.જેના કારણે આજે અમે એક બેઠક બોલાવી હતી.જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, જ્યાં સુધી યુનિવર્સિટી સિક્યુરિટી ગાર્ડ નહીં મૂકે ત્યાં સુધી અમારી એક ટીમ રોજ જાતે ચોકી પહેરો કરશે.આ મુદ્દે ફરી એક વખત રજિસ્ટ્રાર સાથે આવતીકાલે, ગુરુવારે મુલાકાત માટે સમય માંગ્યો છે.
અધ્યાપકનું કહેવું હતું કે, ક્વાર્ટર્સમાં સિક્યુરિટીનો પોઈન્ટ છે જ પણ સત્તાધીશો અહીંયા સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં અખાડા કરી રહ્યા છે.કાગળ પર જ ખાલી સિક્યુરિટી બતાવવામાં આવી રહી છે.એવુ લાગે છે કે, સિક્યુરિટી માત્ર હેડ ઓફિસ પર વાઈસ ચાન્સેલરની સુરક્ષા માટે જ છે.બાકી વિદ્યાર્થીઓ અને હવે અધ્યાપકો તથા કર્મચારીઓના પરિવારને પણ ઉપરવાળાના ભરોસે જ રહેવાનું છે.