છોટાઉદેપુર તાલુકા પંચાયતના કર્મચારીએ રૃા.૯ હજારની લાંચ માંગી
નરેગા શાખાના ટેકનિકલ આસિસ્ટન્ટ સંજય રાઠવાએ રૃા.૧૦ હજારની લાંચ માંગ્યા બાદ રૃા.૯ હજાર આપવાનું નક્કી થયું હતું
છોટાઉદેપુર તા.૧૬ છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા સંજય રાઠવાએ રૃા. ૯૦૦૦ ની લાંચની ડિમાન્ડ કરતા કર્મચારી સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરીમાં નરેગા શાખામાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા સંજય સોનિયાભાઈ રાઠવાને લાંચના કેસમાં ઝડપી પાડવા માટે તા.૧૪ ફેબુ્રઆરી ૨૦૧૯ના રોજ એસીબીએ ટ્રેપ ગોઠવી હતી. આ ટ્રેપ દરમિયાન સંજય રાઠવા રંગે હાથ ઝડપાયો ન હતો પરંતુ રૃા.૯૦૦૦ની લાંચ માંગી હોય જે પ્રાથમિક તપાસ દરમ્યાન બહાર આવતા સંજય રાઠવા વિરુદ્ધ એસીબીએ ડિમાન્ડ કેસનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે.
બનાવની વિગત એવી છે કે ખેતરમાં જમીન સમતળની કરેલી કામગીરી અને શ્રમિકોના બેન્ક એકાઉન્ટમાં જમા થયેલ રૃા.૪૭,૮૬૪ ની ટકાવારી પ્રમાણે સંજય રાઠવાએ રૃા.૧૦,૦૦૦ની માંગણી કરી હતી જેથી જમીન માલિકે ઓછું વધતું કરવા કહેતા રકઝકના અંતે રૃા.૯,૦૦૦ની લાંચ લેવા નક્કી કરવામાં આવ્યું હતું. જે વાતચીતનું ખેતર માલિકના સંબંધીએ પોતાના મોબાઈલમાં રેકોડગ કરી એસીબીને ફરિયાદ કરવામાં આવી હતી.
જેના આધારે ગોઠવેલા લાંચના છટકામાં સંજય રાઠવાએ લાંચ આપવા આવેલા શખ્સ સાથે વાતચીત કરી હતી પરંતુ લાંચની રકમ સ્વીકારી ન હતી. જે લાંચનું છટકુ નિષ્ફળ રહેલ જેથી એસીબી વડી કચેરી તરફથી પ્રાથમિક તપાસ હાથ ધરવાનો હુકમ કરવામાં આવતા પ્રાથમિક તપાસના અંતે આરોપીએ લાંચની માંગણી કરી હોવાનું જણાતા પીઆઇ કે.એન.રાઠવાએ ફરિયાદી બની સંજય રાઠવા સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.