હરણી-ન્યુ સમા રોડ પર મોટાપાયે ગેરકાયદે પાર્કિગ
ટ્રાફિકને લગતી કામગીરી નહી થતા શાળા સંચાલકોની પણ તંત્રને રજૂઆત
વડોદરા તા.3 ઓક્ટોબર, શનિવાર
સ્માર્ટ સિટિ વડોદરાના અનેક વિસ્તારોનો સ્માર્ટ વિકાસ કરવામાં તંત્રને બિલકુલ રસ ના હોય તેમ લાગી રહ્યું છે. સૌથી વિકસિત હરણી વિસ્તારમાં મોટનાથ મહાદેવ રોડ પર વાહનોના ગેરકાયદે પાર્કિગ, ટ્રાફિકની કોઇ વ્યવસ્થા નહી હોવાથી નાના-મોટા અકસ્માતો થતા હોવા છતાં ટ્રાફિકને કંટ્રોલ કરી શકાય તે માટે કોઇ પગલા લેવામાં આવતા નથી.
ઉલ્લેખનીય છે કે આ રોડ પર અનેક શાળાઓ, પૌરાણિક મંદિરો, પાર્ટી પ્લોટો આવેલા છે. તાજેતરમાં હરણીથી સમા વિસ્તારને જોડતો એક બ્રિજ ચાલુ થતા વાહન વ્યવહાર પણ વધી ગયો છે. હરણીથી મોટનાથ મહાદેવ તરફ જતા માર્ગ પર ચારેબાજુએ નોકરીયાતો ખાનગી પાર્કિગ રોડ વચ્ચે જ કરે છે જેના કારણે ટ્રાફિકને અસર થતી હોવા છતાં કોઇ પગલા લેવામાં આવતા નથી.
આ વિસ્તારની ટ્રાફિક સમસ્યા હળવી કરવા તેમજ ટ્રાફિક સર્કલ બનાવવા માટે છેક વડાપ્રધાન કાર્યાલય સુધી રજૂઆત કરવા છતાં સ્માર્ટ સિટિના વિકાસ માટે વિકસિત વિસ્તારમાં ધ્યાન અપતું નથી. બે થી ત્રણ વખત ટ્રાફિક પોલીસ દ્વારા પંચનામું કરવામાં આવ્યું છતા કોઇ નિર્ણય લેવાતો નથી. વડોદરાની ટ્રાફિક અને કોર્પોરેશનની કચેરી વચ્ચે આ વિસ્તારના નાગરિકો રજૂઆતો કરતા રહે છે પરંતુ કોઇ ફળદાયી પરિણામ આવતું નથી.
આ વિસ્તારની શાળાના સંચાલકો દ્વારા પણ તાજેતરમાં ગદા સર્કલ, હરણી-સમા લીંક રોડ, તેમજ શાળાઓ પાસે સ્પીડ બ્રેકરો, ઝિબ્રા ક્રોસિંગના પટ્ટા, ટ્રાફિક સર્કલ મૂકવા, સ્પિડ લિમિટ અને વાહનો ધીમે હાંકવા અંગેના સાઇન બોર્ડ મૂકવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્ર લખવામાં આવ્યો છે પરંતુ આ વિસ્તારમાં કોઇ જીવલેણ અકસ્માત થાય તેવી રાહ જોવાતી હોય તેમ લાગે છે.