ગોધરાના સંવેદનશીલ વિસ્તારોમાં ૨૩.૩૦ લાખની વીજ ચોરી ઝડપાઈ
વડોદરાઃ મધ્ય ગુજરાત વીજ કંપનીના વિજિલન્સ વિભાગ દ્વારા ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરીને ૨૩.૩૦ લાખ રુપિયાની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી.આ વીજ ચોરી કરનારા ૬૩ ગ્રાહકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વિજિલન્સ વિભાગ દ્વારા ગોધરાની અંજુમન સોસાયટી, વ્હોરવાડ, શિકારી મહોલ્લા, પોલન બજાર, પોલીસ ચોકી-૭ની આસપાસનો વિસ્તાર, રબ્બાની મહોલ્લા, ગુલશન સોસાયટી, અમીના પાર્ક સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.વીજ કંપનીએ ચેકિંગ માટે ૪૩ ટીમો ઉતારી હતી અને તેની સાથે પોલીસ રક્ષણ પણ મેળવવામાં આવ્યુ હતુ.વીજ કંપનીના અને પોલીસના કર્મચારીઓના ધાડેધાડા ઉતરી પડતા આ વિસ્તારોમાં ભારે ઉત્તેજનાપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો.
વીજ કંપનીની ટીમોએ કુલ ૯૧૬ જોડાણો ચેક કર્યા હતા અને તેમાંથી ૬૩ જોડાણોમાં વીજ ચોરી પકડાઈ હતી.વિજિલન્સ સ્કવોડના સૂત્રોના કહેવા પ્રમાણે ચેકિંગ દરમિયાન કેપ્સ્યુલ પ્લોટ વિસ્તારમાં કેટલાક સ્થાનિક લોકોએ વીજ ચેકિંગનો વિરોધ કરીને વીજ કંપનીઓના કર્મચારીઓની ટીમને ઘેરી લીધી હતી.તેમની સાથે મોકલવામાં આવેલી પોલીસની ટીમો પણ ઓછી પડી હતી.વીજ કંપનીના કર્મચારીઓએ કબ્જે લીધેલા મીટર પણ એક તબક્કે ટોળાએ ઝૂંટવી લીધા હતા.એ પછી વીજ કંપનીને આ વિસ્તારમાં ચેકિંગ પડતુ મુકીને પાછા ફરવુ પડયુ હતુ.બાદમાં વધારે પોલીસ બંદોબસ્ત સાથે આ વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી.જે લોકો ઘર બંધ કરીને જતા રહ્યા હતા તેમના ઘર ખોલાવીને ચેકિંગ કરાયુ હતુ અને કેસ કરવામાં આવ્યા હતા.