પૂર પ્રભાવિત ગુજરાતના ચાર જિલ્લાના ૨૩૯ ગામોમાં વીજ પુરવઠો ફરી શરુ
વડોદરાઃ મધ્ય ગુજરાતમાં વરસાદ અને નર્મદા તેમજ મહીસાગર નદીમાં પૂરની પરિસ્થિતિ ઊભી થતા વડોદરા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના કુલ ૨૩૯ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.વડોદરા જિલ્લામાં પણ ચાણોદ અને કરનાળી તીર્થધામો સહિત કરજણ અને ડભોઈ તાલુકાના ૧૨ ગામો પ્રભાવિત થયા હતા.
આ તમામ ગામોમાં વીજ પુરવઠો પુનઃ શરૃ કરી દેવામાં આવ્યો હોવાનું એમ.જી.વી.સી.એલના અધિક મુખ્ય ઇજનેર એસ.એસ. તાવિયાડે જણાવ્યું હતુ. આ ચાર જિલ્લાઓમાં વરસાદ અને પૂરના કારણે ૫૦૦ થી વધુ થાંભલા પડી ગયા હતા.વીજ કંપની દ્વારા આણંદ,ખેડા અને વડોદરા શહેરની ટીમોના સહયોગથી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી આ તમામ ૨૩૯ ગામોમાં વીજ પુરવઠો શરૃ કરવામાં આવ્યો છે.
કરનાળી અને ચાંદોદમાં પાણીમાં ઈલેક્ટ્રીક સપ્લાય કરતા ટીસી ડૂબી ગયા હતા એવા ટીસી ઉતારી નવા ટીસી એમજીવીસીએલ દ્વારા મૂકી દેવામાં આવ્યા છે. કરનાળી અને ચાંદોદમાં જે મકાનો અને દુકાનો ડૂબી જતાં ઇલેક્ટ્રીક મીટરો બળી ગયા હતા તે તમામ મીટરો બદલી નાખવામાં આવ્યા છે. થાંભલા ઉપરના કેબલો બદલી નાખવામાં આવ્યા છે.
વીજ કંપનીના ૧૮ એન્જિનિયર અને અન્ય કર્મીઓ સહિત કુલ ૧૩૦ના સ્ટાફ દ્વારા પાણી ઓસરતાં માત્ર એક દિવસમાં કામગીરી પૂર્ણ કરી વીજ પુરવઠો શરૃ કરવામાં આવ્યો હતો.