વાસણા રોડ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા એક લાખ લોકો હેરાન
વડોદરાઃ વડોદરા શહેરના વાસણા રોડ વિસ્તારમાં આવેલા જેટકોના ૬૬ કેવીના સબ સ્ટેશનના બસ કપલરમાં લાગેલી આગના કારણે વીજ પૂરવઠો ખોરવાયો હતો અને આ વિસ્તારના લગભગ એક લાખ લોકો કલાકો સુધી વીજ પુરવઠા વગર કાળઝાળ ગરમીમાં હેરાન પરેશાન થયા હતા.
વીજ કંપનીના સૂત્રોના કહેવા પ્રમાણે આજે સાંજે સાત વાગ્યે જેટકોના સબ સ્ટેશનમાં ધડાકા સાથે આગ લાગી હતી અને તેના કારણે વાસણા રોડ વિસ્તારના આઠ જેટલા વીજ ફીડરો પરના ૪૦૦૦૦ જેટલા ઘરો,દુકાનો અને શો રુમોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.અસહ્ય ઉકળાટ વચ્ચે નોકરી ધંધેથી પરત આવેલા લોકોને ભારે હેરાન થવુ પડયુ હતુ.
જેટકોની ટીમોએ સબ સ્ટેશન પર સમારકામ શરુ કર્યુ હતુ.આઠમાંથી સાત ફીડર દોઢ કલાક બાદ કાર્યરત કરી દેવાયા હતા અને આઠમા ફીડરનો લોડ અન્ય ફીડર પર ડાયવર્ટ કરવાની કામગીરી પણ ચાલુ કરી દેવામાં આવી હતી.જોકે આ ઘટનાના પગલે લોકોને વીજળી વગર રહેવાનો વારો આવ્યો હતો.
વીજ કંપનીના સૂત્રોનુ કહેવુ છે કે, વધારે વીજ લોડના કારણે આગ લાગવાની ઘટના બની હોય તેવી શક્યતા છે.એમ પણ શહેરના પશ્ચિમ વિસ્તાર ઝડપથી વિકસી રહેલો વિસ્તાર હોવાથી અહીંયા વીજ લોડ વધારે છે.ગરમીમાં વીજ માંગના કારણે ફીડરોની જે ક્ષમતા છે તેના કરતા ઘણો વધારે વીજ પ્રવાહ તેમાંથી પસાર થઈ રહ્યો છે.જેના કારણે આ વિસ્તારમાં છાશવારે વીજળી ગુલ થવાની સમસ્યા સર્જાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, બુધવારની મધરાતે પણ આ જ વિસ્તારમાં વીજ પ્રવાહ ખોરવાયો હતો અને તેના કારણે લોકોએ અડધી રાત્રે ધારાસભ્યના ઘરે જઈને ફરિયાદ કરી હતી.આજે ફરી લોકોને સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો હતો.