Get The App

શહેરમાં ઉનાળાની ગરમીમાં વીજળી ગુલ થવાની ફરિયાદોમાં ત્રણ ગણો વધારો

Updated: May 5th, 2024


Google NewsGoogle News
શહેરમાં ઉનાળાની ગરમીમાં વીજળી ગુલ થવાની ફરિયાદોમાં ત્રણ ગણો વધારો 1 - image

વડોદરાઃ ઉનાળાની કાળઝાળ ગરમીમાં વીજ વપરાશમાં વધારો થવાની સાથે સાથે વીજ પુરવઠો ખોરવાઈ જવાની ફરિયાદોમાં પણ ત્રણ ગણો વધારો થયો છે.

મળતી વિગતો પ્રમાણે તાપમાનનો પારો છેલ્લા કેટલાક દિવસથી સતત ૪૦ ડિગ્રીની આસપાસ રહે છે અને તેના કારણે વડોદરાની વીજ માંગમાં વધારો થવો સ્વાભાવિક છે.આ સંજોગોમાં વીજ માળખા પરનુ ભારણ વધી ગયુ હોવાથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં વીજળી ગુલ થવાની સમસ્યા વધી ગઈ છે.મધ્ય ગુજરાત વીજ કંપનીના સૂત્રોના કહેવા અનુસાર શિયાળાના સમયમાં વીજ સપ્લાય બંધ થવાની રોજની સરેરાશ ૨૦૦ જેટલી ફરિયાદો આવતી હતી અને હવે રોજની ૬૦૦ જેટલી ફરિયાદો  મળી રહી છે.જોકે તેમાંથી ઘણી ફરિયાદો એક જ જગ્યાની પણ હોય છે.આમ છતા રોજ ૧૫૦ થી ૨૦૦ જગ્યાએ તો વીજ પુરવઠો ખોરવાઈ જ રહ્યો છે.શિયાળા કરતા આ પ્રમાણ બમણુ છે.

સૂત્રોનુ કહેવુ છે કે, વીજ માંગ વધવાના કારણે માળખા પરનુ ભારણ વધે છે.મુખ્યત્વે ટ્રાન્સફોર્મરના જોઈન્ટ ગરમ થવાથી કે કેબલ ગરમ થવાથી વીજ પ્રવાહ ખોરવાય છે.કેબલમાં કે ટ્રાન્સફોર્મરમાં વધારે લોડના કારણે ક્યારેક આગ પણ લાગે છે તો ક્યારેક કેબલ પણ તુટી પડે છે.

કયા ટ્રાન્સફોર્મર પર કેટલી વીજ ડીમાન્ડ રહેશે તે જાણી શકવુ મુશ્કેલ છે.કારણકે હજારો વીજ ગ્રાહકો એવા છે જેમણે જ્યારે જોડાણ લીધુ ત્યારે દર્શાવેલા વીજ લોડ કરતા અત્યારનો તેમનો વીજ લોડ વધી ગયો છે.આ ગ્રાહકો અત્યારે કેટલો વીજ વપરાશ કરે છે તેના ચોક્કસ આંકડા વીજ કંપની પાસે નથી. માટે જ ગ્રાહકોને અમે છાશવારે તેમના વીજ લોડની જાણકારી સબંધિત સબ ડિવિઝનમાં આપવા માટે અપીલ કરવામાં આવે છે.કારણકે વીજ નેટવર્ક લોકોની વીજ માંગ પર આધારિત રહે છે અને જો વીજ કંપનીને સાચી માંગ ખબર ના હોય તો વીજ પુરવઠો ખોરવાઈ જવાની શક્યતા વધી જતી હોય છે.સૂત્રોનુ કહેવુ છે કે, ગત વર્ષના મુકાબલે વડોદરા શહેરની વીજ માંગમાં ૨૧ ટકાનો વધારો થયો છે.૨૦૨૨-૨૩માં સરેરાશ વીજ માંગ ૩૪૪ મેગાવોટ હતી.જે ૨૦૨૩-૨૪માં વધીેને ૪૧૭ મેગાવોટ થઈ છે.૨૦૨૩-૨૪ના વર્ષમાં વીજ કંપનીએ માત્ર વડોદરા શહેરમાં જ ૩૦૦૦૦ નવા જોડાણો આપ્યા છે.


Google NewsGoogle News