Get The App

વાવાઝોડામાં 157 વીજ થાંભલા પડયા, 1500 ફરિયાદો, વીજ કચેરીઓ પર મધરાતે ટોળા

Updated: Sep 26th, 2024


Google NewsGoogle News
વાવાઝોડામાં 157 વીજ થાંભલા પડયા, 1500 ફરિયાદો, વીજ કચેરીઓ પર મધરાતે ટોળા 1 - image

વડોદરાઃ બુધવારે સાંજે વાવાઝોડા સાથે પડેલા વરસાદના કારણે વડોદરા શહેરના ૪૦ ફીડરો પર વીજ પુરવઠો ખોરવાયો હતો અને પાંચ થી ૬ લાખ લોકો અંધારામાં રહ્યા હતા.કેટલાક વિસ્તારોમાં મોડી રાત સુધી અંધારપટ છવાયેલો રહ્યો હોવાથી લોકોમાં મધ્ય ગુજરાત વીજ કંપનીની કામગીરી સામે રોષની લાગણી જોવા મળી હતી.

મળતી વિગતો પ્રમાણે વીજ કંપનીને શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી  ૧૫૦૦ જેટલી ફરિયાદો બુધવારે મળી હતી. શહેરના અકોટા, ઈન્દ્રપુરી અને કારેલીબાગ સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં કલાકો સુધી લાઈટો ચાલુ નહીં થતા મધરાતે લોકોના ટોળા એકઠા થયા હતા અને  વિરોધ વ્યક્ત કર્યો હતો.અકોટા સબ ડિવિઝન ખાતે  ભેગા થયેલા  નાગરિકોનું કહેવું હતું કે, સાત વાગ્યાથી આશ્વાસન આપવામાં આવતું હતું કે, લાઈટો આવી જશે પણ મધરાત થયા પછી પણ અમારા  ઘરોમાં અંધારપટ છે.

ઈન્દ્રપુરી સબ ડિવિઝન ખાતે પહોંચેલા કેટલાક લોકોએ બળાપો ઠાલવતા કહ્યું હતું કે, કોલેજોમાં પરીક્ષા ચાલી રહી છે અને  કલાકો પછી પણ વીજળી આવી નથી.ફોન કરીએ છે તો કોઈ ઉઠાવતું નથી અને ઉઠાવે છે તો યોગ્ય જવાબ મળતો નથી.

બીજી તરફ મધ્ય ગુજરાત વીજ કંપનીના સૂત્રોએ કહ્યું હતું કે, વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૫૭ જેટલા થાંભલા પડી ગયા હતા.૨૫ જેટલી જગ્યાએ વીજ વાયરો પર વૃક્ષો પડયા હતા અને બે ટ્રાન્સફોર્મરને પણ વાવાઝોડાના કારણે નુકસાન થયું હતું.રાત્રે ૧૨ વાગ્યા સુધીમાં તમામ ફીડરો પર વીજ પ્રવાહ ચાલુ થઈ ગયો હતો પણ કેટલાક વિસ્તારોમાં સુરક્ષાના કારણોસર વીજ સપ્લાય ચાલુ કરવામાં મોડું થયું હતું.


Google NewsGoogle News