હીટવેવના પગલે રાજ્યની વીજ માંગ ૨૧૨૦૦ મેગાવોટ સુધી પહોંચી
વડોદરાઃ વડોદરા સહિત ગુજરાતમાં ચાલી રહેલા હીટવેવના પગલે લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે અને તેના કારણે ગુજરાતની વીજ માંગ ૨૧૨૦૦ મેગાવોટ સુધી પહોંચી ચુકી છે.
ગરમીના કારણે બપોર બાદ રસ્તા પર સન્નાટો જોવા મળી રહ્યો છે.લોકોના પંખા, કૂલર અને એસી પૂરજોશમાં ચાલી રહ્યા છે ત્યારે વીજ માંગ પણ વધવી સ્વાભાવિક છે.જીયુવીએનએલના સૂત્રોએ કહ્યુ હતુ કે, ગઈકાલે એટલે કે ૧૬ એપ્રિલના રોજ ગુજરાતની વીજ માંગ ૨૧૨૦૦ મેગાવોટ સુધી પહોંચી હતી.તેની સામે એક દિવસનો વીજ વપરાશ ૪૭૮ મિલિયન યુનિટ નોંધાયો હતો.ગત વર્ષે આ જ દિવસે એક દિવસનો વીજ વપરાશ ૪૩૫ મિલિયન યુનિટ રહ્યો હતો.આમ ગત વર્ષના મુકાબલે આજનો વીજ વપરાશ સાત થી આઠ ટકા વધારે નોંધાયો છે.
સૂત્રોનુ કહેવુ છે કે, ઉનાળાનુ જોર વધ્યુ છે અને તેના કારણે આગામી દિવસોમાં વીજ માંગ હજી પણ વધી શકે છે.વીજ કંપનીના અંદાજ અનુસાર મે મહિનાના અંત સુધીમાં ગુજરાતની વીજ માંગ વધીને ૨૩૦૦૦ મેગાવોટ સુધી પહોંચવાની શક્યતા છે.જેને ધ્યાનમાં રાખીને વીજ માંગને પહોંચી વળવા માટે આગોતરુ આયોજન કરવામાં આવી રહ્યુ છે.૧૫ જૂન બાદ વીજ માંગની શું સ્થિતિ રહેશે તે વરસાદ સમયસર આવે છે કે ખેંચાય છે તેના પર આધાર રાખશે.ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રાજ્યની વીજ માગ ૨૪૫૦૦ મેગાવોટ પર પહોંચી હતી.આ આંકડો ગુજરાતના ઈતિહાસમાં સૌથી વધારે હતો.