હીટવેવના કારણે ગુજરાતની સર્વોચ્ચ વીજ માંગનો રેકોર્ડ એક જ દિવસમાં તૂટી ગયો
વડોદરાઃ ગુજરાતમાં ચાલી રહેલા હીટવેવના કારણે આકાશમાંથી આગ વરસી રહી છે અનએ તેના કારણે વીજ વપરાશમાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો છે. હીટવેવના કારણે ગુજરાતમાં નોંધાયેલી સર્વોચ્ચે વીજ માગનો રેકોર્ડ એક જ દિવસમાં તૂટી ગયો છે.
મળતી વિગતો પ્રમાણે તા.૨૦ મેના રોજ સમગ્ર ગુજરાતની વીજ માગ ૨૪૬૭૫ મેગાવોટ નોંધાઈ હતી અને ૨૪ જ કલાકમાં એટલે કે તા.૨૧મેના રોજ ગુજરાતની વીજ માગ ૨૪૭૮૨ મેગાવોટ પર પહોંચી હતી.ગુજરાતના ઈતિહાસમાં આ પહેલા ક્યારેય આટલી વીજ માગ નોંધાઈ નથી.
વીજ કંપનીના સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અભૂતપૂર્વ હીટવેવના કારણે વીજળીની માગ વધી રહી છે.બપોરના તો ગરમી પડી જ રહી છે પણ સાંજે પણ તાપમાનનો પારો નીચે આવતો નથી .જેના કારણે વીજ વપરાશ સતત ચાલુ જ રહે છે.
તા.૨૧ મેના રોજ આખા ગુજરાતે ૫૦૫ મિલિયન યુનિટનો વીજ વપરાશ કર્યો હતો.જેમાં ૫૨ મિલિયન યુનિટ વીજળી તો એકલા અમદાવાદ અને સુરતે વાપરી હતી.વડોદરા સહિત બાકીના શહેરી વિસ્તારોનો વીજ વપરાશ ૭૯.૫ મિલિયન યુનિટ નોંધાયો હતો.તેની સામે ગ્રામ્ય વિસ્તારોમાં ૭૨ મિલિયન યુનિટ વીજ વપરાશ થયો હતો.જ્યારે ઉદ્યોગોનો વીજ વપરાશ ૧૮૭ મિલિયન યુનિટ રહ્યો હતો.
જોકે શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ વપરાશ વચ્ચે ઘણો તફાવત જોવા મળી રહ્યો છે.ગ્રામ્ય વિસ્તારો જેટલી વીજળી વાપરી રહ્યા છે તેની સરખામણીમાં ૭૦ ટકા વીજ વપરાશ તો અમદાવાદ અને સુરત એમ બે જ શહેરોનો છે.