અભૂતપૂર્વ હીટવેવ વચ્ચે ગુજરાતની વીજ માગ પહેલી વખત ૨૪૬૦૦ મેગાવોટ પર પહોંચી
વડોદરાઃ સમગ્ર ગુજરાત અભૂતપૂર્વ હીટવેવનો સામનો કરી રહ્યુ છે.દિવસે તો ત્વચા દઝાડી દે તેવી ગરમી પડી જ રહી છે પણ સૂર્યાસ્ત બાદ પણ તાપમાનનો પારો સામાન્ય દિવસો કરતા વધારે ઉપર રહેતો હોવાથી રાત્રે પણ લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે.આ સંજોગોમાં ગુજરાતની વીજ માગમાં પણ જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે અને તા.૨૦ મેના રોજ ગુજરાતની વીજ માગ પહેલી વખત ૨૪૬૭૫ મેગાવોટની સપાટીએ પહોંચી હતી.
ગુજરાતના ઈતિહાસમાં અગાઉ ક્યારે પણ આટલી વીજ માગ નોંધાઈ નથી.૨૦૨૩ના સપ્ટેમ્બર મહિનામાં ૨૪૬૦૦ મેગાવોટ વીજ માગ નોંધાઈ હતી અને તે અત્યાર સુધીનો રેકોર્ડ હતો પણ અત્યારે ચાલી રહેલા હીટવેવમાં આ રેકોર્ડ તુટી ગયો છે.એટલુ જ આગામી એક સપ્તાહ સુધી કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહત મળવાની નથી તેવા સંજોગોમાં વીજ કંપનીઓનો અંદાજ છે કે, ગુજરાતની વીજ માગ આ સમયગાળામાં ૨૫૦૦૦ મેગાવોટ સુધી પણ પહોંચી શકે છે.
સૂત્રોએ કહ્યુ હતુ કે, તા.૨૦ મે, ના રોજ ગુજરાતની રેકોર્ડ બ્રેક વીજ માગ સામે વીજ વપરાશ પણ ૪૯૫ મિલિયન યુનિટ નોંધાયો હતો.જેમાં સોલાર પેનલોના ઉપયોગથી જનરેટ થતી વીજળીનો સમાવેશ થતો નથી.જો તેને ગણતરીમાં લેવામાં આવે તો ગુજરાતનો વીજ વપરાશ ૫૦૦ મિલિયન યુનિટને પાર કરી ગયો છે.હીટવેવના કારણે ઘર વપરાશ માટેની અને ઉદ્યોગો માટેની વીજ માગમાં લગભગ સાત ટકાનો ઉછાળો આવ્યો છે અને તેના કારણે કુલ વીજ માગ પર અસર પડી છે.