ઉનાળાની શરુઆત સાથે જ મધ્ય ગુજરાતની વીજ માગમાં 377 મેગાવોટનો વધારો
વડોદરાઃ ઉનાળાની શરુઆત થતાની સાથે જ મધ્ય ગુજરાતની વીજ માગમાં પણ ૩૭૭ મેગાવોટનો વધારો નોધાયો છે.જેમ ગરમી વધશે તેમ વીજ માગમાં હજી પણ વધારો થશે.
મધ્ય ગુજરાતમાં વડોદરા,આણંદ, દાહોદ, પંચમહાલ, મહિસાગર જિલ્લાઓને વીજ પૂરવઠો પૂરો પાડતી મધ્ય ગુજરાત વીજ કંપનીની વીજ માગ શિયાળામાં ડિસેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહથી ઓછી થઈ હતી.૩૦ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ મધ્ય ગુજરાતની વીજ માગ ૧૮૯૭ મેગાવોટ હતી.આઠ જાન્યુઆરીએ જાન્યુઆરી મહિનાની સૌથી વધારે ૧૯૩૩ મેગાવોટ વીજ માગ હતી.ફેબુ્રઆરી મહિનામાં વીજ માગમાં ક્રમશઃ વધારો થયો હતો.૨૧ ફેબુ્રઆરીએ ૨૦૬૩ મેગાવોટ વીજ માગ નોંધાઈ હતી.
જોકે માર્ચ મહિનાના ત્રીજા સપ્તાહથી ઉનાળાની ગરમીનો પ્રારંભ થતાની સાથે જ હવે વીજ માગ પણ વધવા માંડી છે.૨૯ માર્ચે વર્તમાન વર્ષની સૌથી વધારે ૨૨૭૪ મેગાવોટ વીજ માગ રહી હતી અને એપ્રિલ મહિનાાં ચાર એપ્રિલે ૨૨૨૫ મેગાવોટ વીજ માગ નોંધાઈ હતી.
સૂત્રોનુ કહેવુ છે કે, આગામી દિવસોમાં હીટ વેવની આગાહી છે.મે , જૂન મહિનામાં તો એમ પણ વધારે ગરમી પડતી હોય છે ત્યારે વીજ માગમાં હજી વધારો થવાની શક્યતાઓ છે અને તે પ્રમાણે આયોજન કરવામાં આવી રહ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે મધ્ય ગુજરાત વીજ કંપનીની સૌથી વધારે વીજ માગ ૪ સપ્ટેમ્બરે ૨૪૬૫ મેગાવોટ રહી હતી.
યોગાનુયોગ ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જ સમગ્ર રાજ્યની વીજ માગ ૨૪૫૦૦ મેગાવોટ પર પહોંચી હતી.આ આંકડો ગુજરાતના ઈતિહાસમાં સૌથી વધારે હતો.