ફાયર સેફ્ટી નહિં રાખનાર જેતલપુરરોડના કલ્યાણ જ્વેલર્સ અને આલ્ફા બિલ્ડિગના વીજ જોડાણ કટ
વડોદરાઃ વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફ્ટી પ્રત્યે બેદરકારી રાખનાર વધુ બે કોમર્શિયલ બિલ્ડિંગોના વીજ જોડાણ કાપવામાં આવ્યા છે.
હાઇકોર્ટના સખ્ત વલણ બાદ વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફ્ટી નહિં રાખનાર ૧૫૦ જેટલી બિલ્ડિંગો સામે પગલાં લેવાની કામગીરી હાથ ધરાઇ છે.જે પૈકી કેટલીક બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીના સાધનો વસાવવાની કામગીરી શરૃ કરવામાં આવી છે.
છેલ્લા ત્રણ મહિનામાં ફાયર બ્રિગેડે દોઢ ડઝન ઇમારતોના વીજ જોડાણ કાપ્યા છે.આજે જેતલપુર રોડ વિસ્તારમાં ફાયર બ્રિગેડ અને વીજ કંપનીની ટીમોએ જેતલપુર રોડ પર કલ્યાણ જ્વેલર્સ અને આલ્ફા કોમર્શિયલ બિલ્ડિંગના વીજ જોડાણ કાપ્યા હતા.
સ્ટેશન ઓફિસર અમિત ચૌધરીએ કહ્યું હતું કે,બંને બિલ્ડિંગોને બે મહિના પહેલાં નોટિસ આપવામાં આવી હતી અને ત્યારપછી ગઇ તા.૨૪મીએ પણ નોટિસ આપવામાં આવી હતી.પરંતુ કોઇ કાર્યવાહી નહિં થતાં આખરે વીજ જોડાણ કાપવા પડયા હતા.