વડોદરામાં ફાયર સેફ્ટી પ્રત્યે બેદરકાર 115 કોમર્શિયલ બિલ્ડિંગના વીજ જોડાણ કપાશે
વડોદરાઃ વડોદરામાં હજી પણ અનેક બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા આવી બિલ્ડિંગો સામે પગલાં લેવાની કાર્યવાહી કરવામાં આવી છે.
રાજ્યમાં ફાયર સેફ્ટીના અભાવે અનેક સ્થળોએ આગના ગંભીર બનાવો બન્યા હોવાથી હાઇકોર્ટે આ મુદ્દે કડક વલણ અપનાવ્યું છે.જેને પગલે હોસ્પિટલો,શૈક્ષણિક સંકુલ, હોટલો,બહુમાળી ઇમારતો જેવા સ્થળોએ ફાયર સેફ્ટી પ્રત્યે બેદરકારી રાખનાર સંચાલકો સામે પગલાં લેવામાં આવી રહ્યા છે.
વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા જુદાજુદા વિસ્તારોની ૧૫૦ કોમર્શિયલ બિલ્ડિંગો સામે પગલાં લેવાની તજવીજ કરવામાં આવી છે.જે પૈકી અઢી મહિનામાં ૧૧ બિલ્ડિંગોના વીજ જોડાણ કાપવામાં આવ્યા છે.કેટલીક બિલ્ડિંગના સંચાલકોએ ફાયર સેફ્ટીની સુવિધા માટે કામગીરી શરૃ કરી દીધી છે.
ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ, જે કોમર્શિયલ બિલ્ડિંગ દ્વારા ફાયર સેફ્ટી માટે કામગીરી કરવામાં આવી રહી છે તેમની સામે કોઇ પગલાં લેવામાં નહિં આવે. પરંતુ જે બિલ્ડિંગોને વારંવાર નોટિસ આપવામાં આવી છે અને તેમ છતાં તેમના તરફથી કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી તેમના વીજ જોડાણ કાપવામાં આવશે.આવી ૧૧૫ બિલ્ડિંગોની યાદી તૈયાર કરવામાં આવી છે.