ત્રણ લાખ રુપિયા બિલ બાકી હોવાથી સમાની મામલતદાર કચેરીનું વીજ જોડાણ કપાયું
વડોદરાઃ મધ્ય ગુજરાત વીજ કંપનીએ વડોદરા શહેરમાં સમા વિસ્તારમાં આવેલી ઉત્તર ઝોનની મામલતદાર કચેરીનું વીજ જોડાણ કાપી નાંખતા સરકારી તંત્ર દોડતું થઈ ગયું હતું.
સૂત્રોએ કહ્યું હતું કે, આ કચેરીનુ એક વર્ષનુ લગભગ ૩ લાખ રુપિયાનુ વીજ બિલ બાકી છે અને આ બિલ ભરવામાં તંત્ર દ્વારા અખાડા થઈ રહ્યા હતા.વીજ કંપની દ્વારા બિલ ભરવા માટે વારંવાર તાકીદ પણ કરવામાં આવી હતી.જોકે એ પછી પણ બિલ બાકી હોવાથી આજે વીજ કંપનીએ કચેરીનુ જોડાણ કાપી નાંખ્યું હતુ.આ સંકુલમાં જન સેવા કેન્દ્ર, પ્રોપર્ટી કાર્ડ ઓફિસ, દસ્તાવેજ નોંધણી ઓફિસ આવેલી છે.રેશન કાર્ડને લગતી કામગીરી પણ અહીંયા થાય છે.આમ રોજ હજારો લોકો ઓફિસમાં આવતા હોય છે.
ગરમી અને ઉકળાટના માહોલમાં લાઈટો પંખા બંધ થઈ જતા લોકોની સાથે સાથે અધિકારીઓ અને કર્મચારીઓની પણ હાલત કફોડી થઈ ગઈ હતી.વીજ જોડાણ કપાયું હોવાનુ સાંભળ્યા બાદ તંત્રમાં દોડધામ થઈ ગઈ હતી.વીજ કંપનીના ઉચ્ચાધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો.બાકી બિલ વહેલી તકે ભરી દેવાશે તેવી ખાતરી મળ્યા બાદ એકાદ કલાક પછી વીજ પુરવઠો શરુ કરવામાં આવ્યો હતો.
જ કંપનીના સૂત્રોનું કહેવું છે કે, આગામી દિવસોમાં જે પણ સરકારી કચેરીઓના વીજ બિલ લાંબા સમયથી બાકી હશે તેમની સામે આ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે.