રિચાર્જના અભાવે મધ્ય ગુજરાતમાં ૯૪૦૮ વખત સ્માર્ટ મીટરોના જોડાણ કપાયા
વડોદરાઃ પાયલોટ પ્રોજેકટ સહિત અત્યાર સુધીમાં મધ્ય ગુજરાત વીજ કંપનીએ ૨૭૭૪૦ સ્માર્ટ વીજ મીટરો વડોદરા તેમજ મધ્ય ગુજરાતના બીજા વિસ્તારોમાં લગાવ્યા છે.
રિચાર્જ ના કરાવ્યુ હોય તેવા સંજોગોમાં જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીમાં ૯૪૦૮ વખત સ્માર્ટ વીજ મીટરોના જોડાણ અત્યાર સુધીમાં કપાયા છે અને તેમાંથી ૯૦૧૨ વખત ગ્રાહકોએ જોડાણ કપાયા બાદ ફરી વીજ મીટરોને પૈસા ભરીને રિચાર્જ કર્યા છે.સંખ્યાબંધ કિસ્સાઓમાં એક જ જોડાણ રિચાર્જના અભાવે એકથી વધારે વખત કપાયુ હોય અને ફરી ચાલુ થયુ હોય તેવુ પણ બન્યુ છે.વીજ કંપનીના સૂત્રોનુ કહેવુ છે કે, રિચાર્જ કરવાનુ રહી ગયુ હોય અને જોડાણ કપાઈ ગયુ હોય તે પણ લોકોના રોષનુ એક કારણ હોઈ શકે છે.
મળતી વિગતો પ્રમાણે ગુજરાતમાં મધ્ય ગુજરાત વીજ કંપની સ્માર્ટ વીજ મીટરો લગાવવામાં સૌથી આગળ છે.અન્ય સરકારી વીજ વિતરણ કંપનીઓ પૈકી દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ ૧૦૦૦૦, ઉત્તર ગુજરાત વીજ કંપનીએ ૫૦૦૦ અને પશ્ચિમ ગુજરાત વીજ કંપનીએ અત્યાર સુધીમાં ૬૫૦૦ સ્માર્ટ વીજ મીટરો વિવિધ જગ્યાએ ફિટ કર્યા છે.
જાણકારોનુ કહેવુ છે કે, બીજા કરતા આગળ રહેવામાં કદાચ મધ્ય ગુજરાત વીજ કંપનીએ યોગ્ય રીતે લોકોને વિશ્વાસમાં લીધા નથી.લોકોના આક્ષેપોનો સંતોષકારક જવાબ આપ્યો નથી અને તેના કારણે ભડકો થયો છે.
વીજ કંપનીનો ડેમેજ કંટ્રોલનો પ્રયાસ
વેબસાઈટ પર રાતોરાત સ્માર્ટ મીટરની જાણકારી આપતી માર્ગદર્શિકા મૂકાઈ
વડોદરામાં સ્માર્ટ વીજ મીટરો સામે ઉભા થયેલા વિરોધ વંટોળના કારણે હવે મધ્ય ગુજરાત વીજ કંપનીએ ડેમેજ કંટ્રોલ કરવા માટે દોડધામ શરુ કરી છે.વીજ કંપની દ્વારા સત્તાવાર વેબસાઈટ પર રાતોરાત સ્માર્ટ મીટર માર્ગદર્શિકા અપલોડ કરવામાં આવી છે.કંપનીની વેબસાઈટના હોમપેજ પર તરત જ નજરે પડે તે રીતે માર્ગદર્શિકાને મૂકવામાં આવી છે.જેમાં સ્માર્ટ વીજ મીટર કઈ રીતે કામ કરે છે, સ્માર્ટ વીજ મીટરમાં બિલની ગણતરી કઈ રીતે થાય છે, ગ્રાહકની અગાઉના મીટરની બાકી રકમનુ નવા મીટરમાં કઈ રીતે એડજસ્ટમેન્ટ કરવામાં આવે છે...જેવી તમામ જાણકારીઓ આ ગાઈડલાઈનમાં પૂરી પાડવામાં આવી છે તેવુ વીજ કંપનીના અધિકારીઓનુ કહેવુ છે.
સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી બંધ નહીં થાય
વીજ કંપનીના સૂત્રોએ કહ્યુ હતુ કે, સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી વિરોધ પછી પણ બંધ કરવામાં આવી નથી અને આજે પણ વીજ મીટરો લગાવવાનુ ચાલુ રાખવામાં આવ્યુ છે તેમજ આ કામગીરી રોકવા માટે હાલ તો કોઈ જાતના આદેશ આપવામાં આવ્યા નથી.