વીજ કંપનીનો કેબલ કપાતા બે સ્કૂલોમાં બોર્ડ પરીક્ષા દરમિયાન વીજળી ગૂલ
વડોદરાઃ સમગ્ર વડોદરા શહેરમાં કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરો ખોદકામ કરી રહ્યા છે અને તેના કારણે મધ્ય ગુજરાત વીજ કંપનીના અન્ડર ગ્રાઉન્ડ કેબલો પર મોટુ જોખમ ઉભુ થયુ છે.
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ચાર જ દિવસમાં બીજી વખત આજે કોર્પોરેશનની કામગીરીના કારણે વીજ કંપનીના અન્ડર ગ્રાઉન્ડ કેબલમાં ફોલ્ટ સર્જાતા બોર્ડ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ હેરાન થયા હતા.
મળતી વિગતો પ્રમાણે પૂર્વ વિસ્તારમાં કલાદર્શન ચાર રસ્તા પાસેથી ગાજરાવાડી તરફ જતા રોડને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે.આ કામગીરી દરમિયાન જીઈબીનો અન્ડર ગ્રાઉન્ડ કેબલ ક્ષતિગ્રસ્ત થતા પાણીગેટ સબ ડિવિઝનના પ્રારંભ ફીડર પરનો વીજ પુરવઠો સાંજે ૫-૪૫ વાગ્યાની આસપાસ ખોરવાયો હતો.
આ સમયે ધો.૧૨ કોમર્સની બોર્ડ પરીક્ષા ચાલી રહી હતી અને આ વિસ્તારની વલ્લભ સ્કૂલ અને એસએસવી સ્કૂલમાં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ વીજ સપ્લાય બંધ થતા હેરાન પરેશાન થયા હતા.વીજ સપ્લાય શરુ કરવામાં લગભગ અડધો કલાકનો સમય ગયો હતો.વીજ કંપનીના અધિકારીઓએ કોન્ટ્રાક્ટરનુ ગઈકાલે પણ ધ્યાન દોર્યુ હતુ અને પરીક્ષા પૂરી ના થાય ત્યાં સુધી કામગીરી મુલતવી રાખવા માટે કહ્યુ હતુ પણ કોન્ટ્રાક્ટરે આ વાત કાને ધરી નહોતી.
ઉલ્લેખનીય છે કે, બોર્ડ પરીક્ષાના પહેલા પણ દવસે પૂર્વ વિસ્તારમાં આજવા રોડની બીએસએનએલ ઓફિસ પાસે આ જ રીતે અન્ડર ગ્રાઉન્ડ કેબલ કપાતા બે સ્કૂલોમાં પાંચ-પાંચ મિનિટ માટે વીજળી ગૂલ થઈ હતી અને વિદ્યાર્થીઓ હેરાન થયા હતા.જોકે એ પછી પણ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરો સુધરવા માટે તૈયાર નથી.