ફતેગંજની હોટલમાં ઉપરથી નીચે પટકાતા ઇલેક્ટ્રિશિયનનું મોત
પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી શરૃ કરી
વડોદરા,ફતેગંજ વિસ્તારની હોટલમાં કામ કરતો ઇલેક્ટ્રિશિયન ઉપરથી નીચે પટકાતા ગંભીર ઇજા થતા મોત થયું હતું. જે અંગે સયાજીગંજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
યાકુતપુરા હુસેન મસ્જિદ પાસે રહેતો ૨૩ વર્ષનો શાહીદ શબ્બીરભાઇ મલેક ફતેગંજ પારસી અગિયારી પાસે આવેલી હોટલ સુબા ઇલાઇટમાં કામ કરતો હતો. સવારે સવા આઠ વાગ્યે હોટલમાં ઇલેક્ટ્રિકનું કામ કરતા સમયે અચાનક તે ઉપરથી નીચે વાયર પર પડયો હતો. ગંભીર ઇજા થતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. જે અંગે સયાજીગંજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની તપાસ દરમિયાન એવી વિગતો જાણવા મળી છે કે, શાહીદે ચાર દિવસ પહેલા જ હોટલમાં ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી ચાલુ કરી હતી. તેના લગ્ન થયા નથી. તેના પિતાનું પણ અવસાન થયું છે. ઘરમાં તે કમાતો વ્યક્તિ હતો. શાહીદનું મોત કરંટ લાગવાથી નહીં પણ ઉપરથી નીચે પટકાવવાના કારણે થયું છે. પોલીસે હોટલના મેનેજર અને સ્ટાફના નિવેદનો લેવાનું તેમજ સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી હાથ ધરી છે.