ચૂંટણી ઇફેક્ટ: વડોદરાની સ્થાયી સમિતિમાં રૂ.125 કરોડના કામો રજૂ
વડોદરા,તા.08 માર્ચ 2024,શુક્રવાર
ચૂંટણી અગાઉ લગભગ અંતિમ મળનાર સ્થાયી સમિતિની બેઠકમાં ધડાધડ 76 કામો રજૂ થઈ ગયા છે. આ પૈકી લગભગ 30 ટકા જેટલા કામો જુના છે. જો જુના કામોની રકમ ન ગણીએ તો પણ સ્થાયી સમિતિની બેઠકમાં નવીન 57 કામોમાં રૂપિયા 125 કરોડના કામ અંગે નિર્ણય લેવામાં આવશે.
આગામી સપ્તાહે ગમે ત્યારે ચૂંટણી જાહેર થવાની શક્યતા છે ત્યારે ચૂંટણી જાહેર થતાં અગાઉ કોર્પોરેશનની સ્થાયી સમિતિએ આગામી ત્રણ મહિનાના કામોને ધ્યાનમાં રાખીને અનેક કામો રજૂ કરી દીધા છે. વર્તમાન સ્થાયી સમિતિમાં અગાઉ મુલતવી કરેલા 19 જૂના કામો પણ રજૂ કરી દેવામાં આવ્યા છે. મોટેભાગે વાર્ષિક ઇજારાના કામો આ વખતની સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવ્યા છે. ઉપરાંત વિવિધ પ્રકારના વિકાસના કામો માટે સંસદ સભ્ય, ધારાસભ્યો અને કોર્પોરેશનના સભાસદોની ગ્રાન્ટ તેની નિભાવની માટેના કામો રજૂ કરવામાં આવ્યા છે. વિભાગ પ્રમાણે જોઈએ તો રોડ પ્રોજેક્ટના સાત, ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટના 11, પશ્ચિમ ઝોન કાર્યપાલક ઇજનેરના 10, પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગના સાત, બિલ્ડીંગ પ્રોજેક્ટ શાખાના બે, સ્ટ્રીટલાઈટ વિભાગના પાંચ, અગ્નિસમનના બે, પાણી પુરવઠા શાખાના પાંચ, પાણી પુરવઠા ઇલેક્ટ્રીક એન્ડ મિકેનિકલ વિભાગ, વોર્ડ નંબર 16 દક્ષિણ ઝોનનું, જન સંપર્ક વિભાગ, યુસીડી પ્રોજેક્ટ, આરોગ્ય વિભાગ, ટાઉન પ્લાનિંગ શાખા, ઇલેક્ટ્રીક મિકેનિકલ, સૂવેઝ વિભાગના એક-એક, સિક્યુરિટી વિભાગના બે આ ઉપરાંત બ્રિજ વિભાગના જુના છ કામો રજૂ કરવામાં આવ્યા છે. ગમે ત્યારે ચૂંટણી જાહેર થાય એ અગાઉ સ્થાયી સમિતિ આગામી તારીખ 13ને બુધવારના રોજ બેઠક યોજી તમામ કામો અંગેના નિર્ણય લેશે.