ચૂંટણી તંત્ર દ્વારા MSU પાસે કાયમી અને હંગામી અધ્યાપકો અને કર્મચારીઓની યાદી મંગાવાઈ

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
ચૂંટણી તંત્ર દ્વારા MSU પાસે  કાયમી અને હંગામી અધ્યાપકો અને કર્મચારીઓની યાદી મંગાવાઈ 1 - image

વડોદરાઃ લોકસભાની આગામી ચૂંટણી માટે ગુજરાતમાં તા.૭ મેના રોજ મતદાન થવાનુ છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા તેની તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે.મળતી વિગતો પ્રમાણે એમ.એસ.યુનિવર્સિટીમાં ફરજ બજાવતા હંગામી અને કાયમી કર્મચારીઓ તેમજ અધ્યાપકોની યાદી ચૂંટણી તંત્ર દ્વારા મંગાવવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓ દ્વારા કુલ મળીને ૨૦૦૦ કરતા વધારે અધ્યાપકો અને  કર્મચારીઓની યાદી ચૂંટણી તંત્રને સોંપવામાં આવી છે.તેમને ચૂંટણીની ફરજ સોંપવામાં આવશે.જોકે તેના કારણે યુનિવર્સિટીમાં લેવાનારી કેટલીક પરીક્ષાઓના કાર્યક્રમમાં ફેરફાર પણ કરવો પડે તેવી શક્યતાઓ છે.સાથે સાથે જે ફેકલ્ટીઓમાં પરીક્ષા પૂરી થઈ ગઈ હશે તે ફેકલ્ટીઓમાં ઉત્તરવહીઓ તપાસવાની કામગીરીને પણ અસર થશે.

કારણકે યુનિવર્સિટીમાં ઘણી પરીક્ષાઓ માર્ચ મહિનાના પહેલા કે બીજા સપ્તાહ સુધી ચાલતી હોય છે.બીજી તરફ મોટાભાગના હંગામી કર્મચારીઓના એપ્રિલ મહિના સુધીના ઓર્ડર કરવામાં આવતા હોય છે.આ અધ્યાપકોને મે મહિનામાં ચૂંટણી પંચ દ્વારા ડયુટી સોંપવામાં આવે તો યુનિવર્સિટી સત્તાધીશોને તેમને મે મહિનામાં પણ ફરજ બજાવવા માટેના ઓર્ડર કરવા પડે તેવી પણ સ્થિતિ સર્જાઈ શકે છે.

દરમિયાન રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાએ એક વાતચીતમાં કહ્યુ હતુ કે, દર વખતે કાયમીની સાથે સાથે હંગામી અધ્યાપકોને અને કર્મચારીઓને ચૂંટણીની ફરજ સોંપાતી હોય છે.પણ તેના કારણે પરીક્ષાની કામગીરી પર વધારે અસર નહીંં પડે.કારણકે ચૂંટણીની ફરજ માટે અધ્યાપકો અને કર્મચારીઓને ત્રણ થી ચાર દિવસ જ ફાળવવા પડશે.



Google NewsGoogle News