ચૂંટણીપંચે 190 અપક્ષ ઉમેદવારોને 'ચૂંટણી ચિહ્ન' ફાળવ્યાં, જાણો કયા ક્ષેત્રનો રહ્યો દબદબો
શાકભાજી અને ફળફળાદી બાદ બીજા ક્રમે, સૌથી વધુ ચૂંટણી ચિહ્નો તરીકે રમતગમતના સાધનોની પસંદગી
Lok Sabha Election 2024 | ચૂંટણી લડતા ઉમેદવારો માટે તેમના નામ ઉપરાંત ચૂંટણી પ્રતીક પણ બહુ મહત્વનું છે. માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના રાજકીય પક્ષો માટે તો આવા ચૂંટણી પ્રતીકો અનામત રાખવામાં આવે છે પરંતુ અપક્ષ ઉમેદવારો માટે ચૂંટણી પ્રતીકોની ફાળવણી ઉમેદવારીપત્ર મંજૂરીની પ્રક્રિયાની સાથે કરવામાં આવે છે.
ચૂંટણી પંચ દ્વારા આ માટે નિયમો બનાવવામાં આવ્યા છે અને મુક્ત પ્રતીકોની યાદી જાહેર કરવામાં આવે છે. લોકસભાની આ સામાન્ય ચૂંટણીમાં ૧૯૦ ચૂંટણી પ્રતીકો જાહેર કરવામાં આવ્યા છે જેમાં સૌથી વધુ ૧૬ પ્રતીકો શાકભાજી, ફળફળાદીના છે. એ પછીનો ક્રમ રમતગમતના પ્રતીકોનો આવે છે. ચૂંટણી પંચ દ્વારા આ લોકસભાની ચૂંટણીમાં જાહેર કરાયેલા પ્રતીકોની યાદીમાં તરબૂચ, અખરોટ, વટાણા, નાસપતિ, મગફળી, ભિંડો, ફણસ, લીલું મરચું, દ્રાક્ષ, આદુ, સફરજન, ફળની ટોકરી, ફૂલાવર, શીમલા મરચું, નારિયેલી ફાર્મ, શેરડી અને ખેડૂતનો સમાવેશ થાય છે. રાજ્ય કક્ષાએ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને જે તે રાજ્ય માટે કેટલાક પ્રતીકો અનામત આપવામાં આવ્યા છે.
ચૂંટણી પ્રતીકોમાં રમતગમતનું પણ પ્રભુત્વ જોવા મળે છે. વિવિધ રમતના સાધનો સહિત કુલ ૧૨ જેટલા ચિહ્નોને ચૂંટણી પ્રતીક તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં બેટ, બેટ્સમેન, હોકી રમતો ખેલાડી, કેરમ, ચેસબોર્ડ, ડમ્બેલ, ફૂટબોલ ખેલાડી, હોકી અને બોલ, કુદવાનું દોરડું, સ્ટમ્પ, ટેનિસ બોલ અને રેકેટ, ભાલાફેંકને આવરી લેવામાં આવ્યા છે.
આ વખતના મુક્ત પ્રતીકોની યાદીમાં રોબોટ, સિટી, રોડ રોલર, ગરણી, ટયુબલાઇટ, ઘોડિયું, રિમોટ, ટ્રક, ટેન્ટ, શટર, સ્ટેપલર, પગમોજા, ચીપિયો, સાબુદાની, કુલર, એસી જેવા પ્રતીકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કોઇ અપક્ષ ઉમેદવાર આવીને એમ કહે કે, મારે આ પ્રતીક ચિહ્ન સાથે ચૂંટણી લડવી છે, તો ચૂંટણી પંચ મનાઇ કરશે. કારણ કે, આ યાદી મુજબના પ્રતીકોમાંથી એક તેમને આપવામાં આવશે. પ્રતીક ચિહ્ન ફાળવણીની નિયમોનુસારની પ્રક્રીયા હોય છે. કોઇ અપક્ષ ઉમેદવાર લોકસભા કે વિધાનસભાનો સભ્ય હોય તો તેમને અગ્રતા આપવામાં આવે છે. બાકીના ઉમેદવારો પાસેથી યાદીમાંથી ગમતા પ્રતીકોનો ક્રમ માંગવામાં આવે છે. એક જ પ્રતીક માટે વધુ માંગણી થવાના કિસ્સામાં ડ્રો કરવામાં આવે છે.