વડોદરા જિલ્લાના ખેડૂતોને જમીન સંપાદનના બદલામાં માગ્યા મુજબનું વળતર નહીં મળતા અનેક ગામોમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાડ્યા
- હજુ પણ બીજા ગામોમાં બેનરો લગાડવાનું ચાલુ
વડોદરા,તા.22 માર્ચ 2024,શુક્રવાર
રેલવે ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોર અને એક્સપ્રેસ-વેમાં જમીન ગુમાવનાર વડોદરા જિલ્લાના ખેડૂતોને માંગણી મુજબ પૂરતું વળતર નહીં મળતા ખેડૂતો દ્વારા ચૂંટણી બહિષ્કારનું એલાન અપાયું છે અને જિલ્લાના 40 જેટલા ગામોમાં ચૂંટણી બહિષ્કારના બેનરો મારવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. જેમાંથી ઘણા ગામોમાં બેનરો લાગી ચુક્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગઈકાલે કરજણ તાલુકાના 11 જેટલા ગામોમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાડવામાં આવ્યા છે. આ ઉપરાંત પાદરા તાલુકાના સાદડ, આમળા, ઘાયજ, ગોરીયાદ, ઝવેરીપુરા, ચાણસદ તેમજ વડોદરા તાલુકાના ઇંટોલા, વરસાડા, ચાપડ, ભાયલી, મહાપુરા, શેરખી, અનગઢ વગેરેમાં બેનરો મારવામાં આવી રહ્યા છે અને સાંજ સુધીમાં બેનરો લાગી જશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે. એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચ દ્વારા જણાવાયા મુજબ હજુ બેનરો તૈયાર થઈ રહ્યા છે અને સાવલી તેમજ વડોદરા તાલુકાના ગામોમાં પણ બેનરો મારવામાં આવશે. વિચાર મંચના મુખ્ય સંયોજકના જણાવાયા મુજબ રેલ્વે ફ્રેટ કોરિડોર પ્રોજેક્ટ તથા એક્સપ્રેસવે પ્રોજેક્ટમાં કરજણ તાલુકાના 8, પાદરા તાલુકાના 10, વડોદરા તાલુકાના 17 અને સાવલી તાલુકાના 17 ગામની જમીન લેવામાં આવી છે. આ જમીન સંપાદનના બદલામાં સુરત, વલસાડ અને નવસારીના ખેડૂતોને જે મુજબ વળતર ચૂકવ્યું છે, તેવુંજ વડોદરા જિલ્લાના ખેડૂતોને વળતર આપવા માંગણી થઈ રહી છે. પરંતુ હજુ સુધી માંગણીનો કોઈ ઉકેલ નહીં આવતા ખેડૂતોએ ચૂંટણી બહિષ્કાર કરવા નિર્ણય લીધો છે. જે બેનર લગાડવામાં આવ્યા છે, તેમાં ખેડૂતોને જે અન્યાય થયેલ છે, તેના વિરોધમાં ચૂંટણી બહિષ્કાર કરવા અને કોઈ પણ પક્ષના નેતાઓએ ચૂંટણી બાબતે ગામમાં પ્રવેશ કરવો નહીં તેવો સ્પષ્ટ મેસેજ આપ્યો છે.