વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં દરોડા વીજલાઇન પર લંગર નાંખી બાંધકામ માટે અને દુકાનમાં વીજચોરી ઝડપાઇ

વીજગ્રાહક હોવા છતાં પણ વીજચોરી કરતાં ગ્રાહકો ઝડપાયા ઃ કુલ રૃા.૧૧.૭૫ લાખની વીજચોરી અંગે કાર્યવાહી

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં દરોડા  વીજલાઇન પર લંગર નાંખી બાંધકામ માટે અને દુકાનમાં વીજચોરી ઝડપાઇ 1 - image

વડોદરા, તા.8 વડોદરા શહેર તેમજ છોટાઉદેપુર જિલ્લામાં વીજ કંપનીએ ત્રાટકી મોટાપાયે વીજચોરી ઝડપી પાડી હતી. વીજ કંપની દ્વારા કુલ રૃા.૧૧.૭૫ લાખની વીજચોરી અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ અંગેની વિગત એવી છે કે રાજકોટની સરદાર કન્સ્ટ્રક્શન પાવીજેતપુર તાલુકાના ઇંટવાડા ગામે તેમજ આર.કે. પટેલ કન્સ્ટ્રક્શન(સાગર હરીશ પટેલ) છોટાઉદેપુર તાલુકાના ધોળકુવા ખાતે બાંધકામ માટે વીજલાઇન પર લંગર નાંખી વીજચોરી કરતાં બંને એજન્સી ઝડપાઇ ગઇ હતી. આ ઉપરાંત છોટાઉદેપુર તાલુકાના ડોબાછાબરા ગામે કાનજી રેમલા રાઠવા, બારીબેજ ગામે અમીતા શંકર રાઠવા ઘરમાં વીજચોરી કરતાં ઝડપાયા  હતાં. આ ઉપરાંત ચીમલા ગામે ગોપાલ ધોળકિયા પોતાની દુકાનમાં તેમજ વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં ફરીદા મહોલ્લામાં બદામી મોહંમદસલીમ મલંગ પણ વીજલાઇન પર લંગર નાંખી વીજચોરી કરતાં ઝડપાઇ ગયા હતાં. આ પ્રકારની કુલ રૃા.૫.૩૬ લાખની વીજચોરી ઝડપાઇ હતી.

વીજગ્રાહક હોવા છતાં પણ વીજમીટર બાયપાસ કરી થતી વીજચોરી પણ વીજકંપનીએ ઝડપી પાડી હતી. જેમાં બરાનપુરામાં શ્રી એપાર્ટમેન્ટમાં રહેતા કેતન ગોવર્ધન સિંદે, નવાપુરામાં મકબુલ એપાર્ટમેન્ટમાં રહેતા નબીજી ઇબ્રાહિમ વ્હોરા, કુંભારવાડામાં હરિજનવાસમાં રહેતા જીણુ કાદવ સોલંકી, વાડી મોટી વ્હોરવાડમાં મયુદ્દીન નસરુદ્દીન શેઠવાલા, પાલેજવાલા બંગલા પાછળ મલંગમીયા અલ્લારખા શેખ તેમજ છોટાઉદેપુર તાલુકાના હલદરવામાં ગુલામઇબ્રાહિમ યુસફ અને જેતપુરમાં સંગીતા મહેશ રાઠવાનો સમાવેશ થાય છે. ઉપરોક્ત વીજગ્રાહકો પોતે વીજ કનેક્શન ધરાવતા હોવા છતાં મીટર બાયપાસ કરી કુલ રૃા.૬.૩૯ લાખની વીજચોરી કરી હતી.




Google NewsGoogle News