85 વર્ષથી વધુ વયના વૃધ્ધ મતદારો બેલેટથી ઘરે બેઠા વોટીંગ કરી શકશે
વિધાનસભા વખતે ૮૦ વર્ષનો નિયમ હતો તે વધારાયો
વૃધ્ધ મતદારો પાસેથી ડિમાન્ડ મંગાવીને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને સાથે રાખીને ઘરે મતકુટિર લઇ જવાશે
ગાંધીનગર : લોકશાહીના પર્વમાં એક એક સામાન્ય મતદારોની ચિંતા કરીને મતદાનનો ગ્રાફ ઉંચો આવે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં ૮૦ વર્ષથી વધુ વયના મતદારો ઘરેથી મતદાન કરી શકે તેવી યોજના હાથ ધરવામાં આવી હતી જેને સારો પ્રતિસાદ સાંપડયો હતો ત્યારે લોકસભામાં ૮૫ વર્ષથી વધુ વયના મતદારો ઘરે બેઠા મતદાન કરી શકશે તે માટે વિધાનસભા બેઠક પ્રમાણે સર્વ કરીને ડિમાન્ડ મંગાવવામાં આવશે. વર્ષ ૨૦૨૨માં ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ૮૦ વર્ષથી વધુ વયના વૃધ્ધ મતદારો માટે મતદાનની પ્રક્રિયા સરળ કરવામાં આવી હતી અને ઘરે બેઠા બેલેટથી મતદાન કરી શકાય તે પ્રમાણેની વ્યવસ્થા ચૂંટણી તંત્ર દ્વારા ગોઠવવામા આવી હતી જેને સારો પ્રતિસાદ સાંપડયો હતો ત્યારે લોકસભાની ચૂંટણીમાં પણ આ પ્રકારે વૃધ્ધ મતદારોના ઘરે મતકુટિર લઇ જઇને રાજકીયપક્ષોની હાજરીમાં ગુપ્ત મતદાન કરાવવામાં આવનાર છે પરંતુ આ વખતે ચૂંટણી તંત્ર દ્વારા નિયમમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ એટલે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૮૦ વર્ષથી વધુના વૃધ્ધોને આ પ્રકારે બેલેટ પેપરથી ઘરે બેઠા વોટીંગ કરાવવામાં આવતું હતું ત્યારે લોકસભા ચૂંટણી પુર્વે નિયમમાં ફેરફાર કરીને ૮૦ વર્ષથી વયમર્યાદા વધારીને ૮૫ જેટલી કરી દેવામાં આવી છે. એટલે લોકસભા ચૂંટણીમાં ૮૫ વર્ષથી વધુ વયના વૃધ્ધ મતદારો જ ઘરે બેઠા બેલેટ પેપરથી મતદાન કરી શકશે. આ માટે અગાઉ વિધાનસભા બેઠક પ્રમાણે સર્વે કરીને જે તે વૃધ્ધ મતદારો પાસેથી ડિમાન્ડ મંગાવવામાં આવશે અને ત્યાર બાદ ઇલેક્શન પહેલા ચૂંટણી તંત્ર દ્વારા રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓને સાથે રાખી ડિમાન્ડ પ્રમાણે વૃધ્ધ મતદારોના ઘરે મતકુટિર લઇ જવામાં આવશે અને ગુપ્ત મતદાન કરાવવામાં આવશે.જેની ગણતરી બેલેટ પેપરના મતોની સાથે કરવામાં આવશે.