તારાપુર-વટામણ હાઈવે પર ઈકોની અડફેટે એક્ટિવા ચાલક વૃદ્ધનું મોત
મૃતદેહને પીએમ માટે મોકલી કાર્યવાહી
રોંગ સાઈડ પૂરઝડપે દોડતી ઈકોએ ટક્કર મારતા અકસ્માતમાં ચીતરવાડાના વૃદ્ધનું મૃત્યુ
તારાપુર તાલુકાના ચીતરવાડા ગામે રહેતા ભરતભાઈ છોટાભાઈ પટેલ એક્ટિવા લઈ ગતરોજ તારાપુરથી ચીતરવાડા જઈ રહ્યા હતા. દરમિયાન તારાપુરથી વટામણ તરફના હાઇવે પર આવેલી ઇન્દ્રણજ દરગાહ નજીક બપોરે સાડા બારેક વાગ્યાના અરસામાં રોંગ સાઈડે પૂર ઝડપે આવી રહેલી ઇકોના ચાલકે એક્ટિવને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ભરતભાઈ પટેલને માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચવા સાથે રસ્તા પર ભારે લોહી વહી ગયું હતું. અકસ્માતને લઈ ૧૦૮ ઘટના સ્થળે પહોંચીને ભરતભાઈ પટેલને તપાસતા મૃત જાહેર કર્યા હતા. બાદમાં મૃતદેહને પીએમ અર્થે તારાપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તારાપુર પોલીસે ભરતભાઈ છોટાભાઈ પટેલના ભત્રીજા પ્રફુલભાઈ અંબાલાલ પટેલ (રહે. ચીતરવાડા, તા. તારાપુર)ની ફરિયાદના આધારે ઇકોના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.