Get The App

એકલવ્ય અને અર્જુન, MSUમાં એફવાયબીકોમની બેઠકો ઘટાડવાના વિરોધમાં વિદ્યાર્થીઓનુ મહાભારત

Updated: Jun 27th, 2023


Google NewsGoogle News
એકલવ્ય અને અર્જુન, MSUમાં એફવાયબીકોમની બેઠકો ઘટાડવાના વિરોધમાં વિદ્યાર્થીઓનુ મહાભારત 1 - image

વડોદરા,તા.27 જુન 2023,મંગળવાર

એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આજે એફવાયબીકોમની સીટો ઘટાડવાના વિરોધમાં મહાભારતનુ દ્રશ્ય ભજવવામાં આવ્યુ હતુ. જેમાં વિદ્યાર્થીઓએ એકલવ્ય અને અર્જુનના પાત્રોને રજૂ કર્યા હતા.

કોમર્સ ફેક્લટી ખાતે એજીએસયુ ગ્રુપ દ્વારા છેલ્લા એક સપ્તાહથી બેઠકો ઘટાડવાના વિરોધમાં આંદોલન ચલાવાઈ રહ્યુ છે. જોકે સત્તાધીશોનુ જક્કી વલણ યથાવત રહ્યુ છે. જેના વિરોધમાં આજે વિદ્યાર્થીઓએ એકલવ્ય અને અર્જુનના પ્રસંગ થકી સત્તાધીશોની આંખ ઉઘાડવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થી સંગઠનનુ કહેવુ હતુ કે, અર્જુન અને એકલવ્યનુ પાત્ર એટલા માટે રજૂ કરવામાં આવ્યુ હતુ કે, એકલવ્યને ગુરૂ દ્રોણાચાર્યે શિક્ષા આપવાની ના પાડી દીધી હતી. જેના કારણે એકલવ્યને છુપી રીતે ગુરૂ દ્રોણાચાર્યને જોઈને વિદ્યા લેવી પડી હતી. જ્યારે ગુરૂ દ્રોણાચાર્યને એકલવ્યની પ્રતિભાનો પરચો મળ્યો ત્યારે તેમણે ગુરૂ દક્ષિણા તરીકે એકલવ્યનો અંગૂઠો માંગી લીધો હતો.

એકલવ્ય અને અર્જુન, MSUમાં એફવાયબીકોમની બેઠકો ઘટાડવાના વિરોધમાં વિદ્યાર્થીઓનુ મહાભારત 2 - image

વિદ્યાર્થી સંગઠનનુ કહેવુ છે કે, જો કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશો વિદ્યાર્થીઓને બેઠકો ઘટાડીને ભણવા માટે મોકો નહીં આપે તો ઘણા વિદ્યાર્થીઓની કારકિર્દી ખતમ થઈ જશે.

સાથે સાથે આંદોલનના ભાગરુપે વિદ્યાર્થીઓ આજે ખુલ્લામાં ભણવા બેઠા હતા. વિદ્યાર્થી સંગઠનના જણાવ્યા અનુસાર સત્તાધીશોની આંખો ખુલે તે માટે મહાભારતનુ દ્રશ્ય ભજવવુ પડ્યુ હતુ.


Google NewsGoogle News