વડોદરા જિ.પંચાયતમાં આઠ સમિતિઓની રચનામાં નો રિપીટ અને માઇનસ બુથને કારણે માનીતા કપાશે
વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતમાં આવતીકાલે જુદીજુદી આઠ સમિતિઓની રચના કરવામાં આવશે.જે માટે પક્ષના પ્રદેશ મોવડી તરફથી મેન્ડેટ મોકલવામાં આવશે.
વડોદરા જિલ્લા પંચાયતની અઢી વર્ષની બીજી ટર્મ માટે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી થયા બાદ કારોબારી સમિતિના ચેરમેનના નામની પણ જાહેરાત કરવામાં આવી છે.જ્યારે પંચાયતની જુદીજુદી શાખાઓના વહીવટી કાર્યો માટેની સમિતિઓની રચનાનું કામ આવતીકાલે તા.૩૦મીએ કરવામાં આવનાર છે.
જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મની જેમ દરેક સમિતિઓની પણ અઢી વર્ષની ટર્મ કરવામાં આવી છે.જેને કારણે કારોબારી,બાંધકામ,આરોગ્ય,શિક્ષણ, સિંચાઇ,અપીલ,સામાજિક ન્યાય અને મહિલા- બાળ વિકાસ સમિતિઓની રચનાનું કામ હાથ ધરાયું છે.
આવતીકાલે પ્રદેશમાંથી આવેલા નામો મુજબ સમિતિઓની જાહેરાત કરવામાં આવશે અને ત્યારબાદ દરેક સમિતિ દ્વારા અલાયદી મીટિંગ બોલાવી મેન્ડેટ મુજબ ચેરમેનની વરણી કરવામાં આવશે.નો રિપીટ થીયરી અને માઇનસ બુથ(ભાજપને ઓછા મત મળ્યા હોય તેવા બુથ)ના નિયમને કારણે ભાજપના આગેવાનોના અનેક માનીતા ઉમેદવારોના પત્તા કપાઇ જશે તેમ મનાઇ રહ્યું છે.