મોબ લિન્ચીંગની ઘટનામાં આઠ આરોપીઓને ઝડપાયા : ચાર આરોપીઓ રિમાન્ડ પર
વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ શરૃ કરી એક વધુ પોલીસ પોઇન્ટ ગોઠવી દીધો
વડોદરા,ચોરીની બાઇક લઇને ચોરીના ઇરાદે નીકળેલા ત્રણ યુવકોને વારસિયા ઝૂલેલાલ મંદિર પાસે ટોળાએ ઝડપી પાડયા હતા. ટોળાએ કરેલા હુમલામાં એકનું મોત થયું હતું. બીજા યુવકને ઇજા થઇ હતી. જ્યારે ત્રીજો યુવક સ્થળ પરથી ભાગી જતા બચી ગયો હતો. આ ગુનામાં પોલીસે કુલ ૮ આરોપીઓની ધરપકડ કરી છે. જે પૈકી ચાર આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ લીધા છે.
આજવા રોડ એકતા નગરમાં રહેતો ઇકારામા ઉર્ફે અલી ઇમરાનભાઇ ટીલીયાવાલા (ઉં.વ.૨૦), શેહબાઝખાન સલીમખાન પઠાણ (ઉં.વ.૩૦) તથા સાહિલ સાજીદભાઇ શેખ (રહે. પ્રતાપનગર) શુક્રવારે રાતે દોઢ વાગ્યે ચોરીની બાઇક લઇને ચોરી કરવાના ઇરાદે નીકળ્યા હતા. આજવા રોડથી નીકળી યાકુતપુરા મદાર ટી સ્ટોલ પર ચા પીધી હતી. ચા પીધા પછી ત્રણેય રીઢા આરોપીઓ વારસિયા ઝૂલેલાલ મંદિર પાસે આવીને ઉભા હતા. બાઇક પાર્ક કરીને તેઓ ગલીમાં જતા હતા. અંદાજે ૩૦૦ ના ટોળાએ હુમલો કરતા શેહબાઝખાનનું મોત થયું હતું. જ્યારે ઇકરામાને ગંભીર ઇજા થઇ હતી. તેની ફરિયાદના આધારે સિટિ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ડીસીપી પન્ના મોમાયાની સૂચના મુજબ, પી.આઇ. આર. બી. ચૌહાણે ગુનો દાખલ કરી સીસીટીવીના આધારે આરોપીઓને પકડવાની કામગીરી શરૃ કરી હતી. પોલીસે (૧) રવિ કાંતિભાઇ (૨) જીતેન્દ્ર પાંડુરંગ પવાર (૩) સુનિલ અમરલાલ ટીંડવાણી તથા (૪) રિફાકત હનિફભાઇ શેખ ને ઝડપી પાડયા હતા. તેઓને કોર્ટમાં રજૂ કરી પોલીસે બે દિવસના રિમાન્ડ લીધા છે. જ્યારે અન્ય ચાર આરોપીઓ (૧) હનિફ કાલુભાઇ દિવાન (૨) અબ્દુલ તાહિર અબ્દુલ પરવેઝ શેખ (૩) શેહબાઝ અકીલશા દિવાન તથા (૪) સાજીદશા જહુરશા દિવાનને પણ મોડી સાંજે ઝડપી પાડયા હતા. જ્યારે અન્ય આરોપીઓને પકડાયેલા આરોપીઓ ઓળખતા હોઇ તેઓની ઘનિષ્ઠ પૂછપરછ શરૃ કરી છે.
આ ઘટનાના પગલે પોલીસે સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ દ્વારા આ સ્થળે એક પોઇન્ટ ગોઠવી દીધો છે.