તારાપુર-વાસદ રોડ પર ખોટકાયેલી ટ્રકની પાછળ આઇશર ઘુસી જતા ચાલકનું મોત
રોડ પર ખોટકાતા વાહનોના કારણે અકસ્માતો વધ્યા
ડ્રાઇવર-ક્લીનર ચા-નાસ્તો કરવા ગયા અને પુરપાટ આવતી આઇશર ટ્રકને અથડાઇ ગઇ
આણંદ : આણંદ જિલ્લામાંથી પસાર થતા તારાપુર-વાસદ રોડ ઉપરના રામોદડી બ્રીજ પાસે ગુરૂવારે સવારે રસ્તા ઉપર ઉભેલી બગડેલી ટ્રક પાછળ આઈશર ટેમ્પો ધડાકાભેર ઘુસી ગયો હતો. આ અકસ્માતમાં આઈશર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મુંબઈમાં રહેતા મહંમદતાલીબ નિઝામુદ્દીન શેખ પોતાની ટ્રકમાં ચોટીલાથી ટાઈલ્સો ભરી ક્લીનર સાવેજખાન સાથે મુંબઈ જવા નીકળ્યા હતા. દરમિયાન તેઓની ટ્રક ગુરૂવારે વહેલી સવારે તારાપુર-વાસદ હાઈવે માર્ગ ઉપર રામોદડી બ્રીજ નજીકથી પસાર થઈ રહી હતી. ત્યારે ટ્રકના જોઈન્ટ તુટી જતા ટ્રક રસ્તાની વચ્ચોવચ ઉભી રહી ગઈ હતી.
જેથી મહંમદતાલીબે ક્લીનર સાથે મળી નજીકમાંથી ઝાડની ડાળીઓ, ઇંટો, પથ્થરો લઈને ટ્રકની પાછળ ગોઠવી દીધા હતા. સાથે સાથે રીફ્લેક્ટર પણ લાકડાની દાંડીએ બાંધીને ગોઠવી દીધું હતું. બાદમાં ડ્રાઈવર તથા ક્લીનર નજીકમાં આવેલી હોટલમાં ચા-નાસ્તો કરવા ગયા હતા.
ત્યારે તારાપુર તરફથી પુરપાટ ઝડપે આવી ચઢેલા એક આઈશર ટેમ્પો ટ્રકની પાછળના ભાગે ધડાકાભેર ઘુસી ગયો હતો. જેથી આાઈશર ટેમ્પાના ચાલકને માથા તેમજ બંને પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે ૧૦૮ તથા પોલીસને જાણ કરાતા ટીમો તુરત જ ઘટના સ્થળે દોડી આવી હતી. દરમિયાન ૧૦૮ દ્વારા ચાલકની તપાસ કરતા તેનું મોત નિપજ્યું હોવાનું માલૂમ પડયું હતું. પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ અંગે મહંમદ તાલીબ શેખની ફરિયાદના આધારે પેટલાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી મૃતક આઈશર ચાલક કોણ છે અને ક્યાંનો છે તે અંગે તપાસ હાથ ધરી છે.