બ્લાસ્ટ થયેલી ટેન્કની આસપાસ સાત જેટલી ટેન્કોને બચાવવા માટે યુધ્ધના ધોરણે કામગીરી
વડોદરાઃ વડોદરા સ્થિત ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની ગુજરાત રિફાઈનરીની બેન્ઝિન સ્ટોરેજ ટેન્કમાં પ્રચંડ ધડાકા સાથે આગ લાગ્યા બાદ રિફાઈનરીના અધિકારીઓના જીવ તાળવે ચોંટયા હતા.
મળતી વિગતો પ્રમાણે આ ટેન્કની આગ બૂઝાવવા માટે માત્ર રિફાઈનરીના જ નહીં પણ જીએસએફસી, જીએસીએલ, રિલાયન્સ તથા અંકલેશ્વર અને ભરુચના ફાયર ફાઈટરોની પણ મદદ લેવામાં આવી રહી છે.લગભગ ૩૦ કરતા વધારે ફાયર ફાઈટરો આગ બૂઝાવવાની કામગીરીમાં રોકાયેલા છે.૨૦૦ કરતા વધારે વ્યક્તિઓ આ કામગીરીમાં સામેલ થે.
સૂત્રોએ કહ્યું હતું કે, જે ટેન્કમાં બ્લાસ્ટ થયો છે તેની આસપાસ બીજી સાત જેટલી ટેન્કો છે.તેમાં બેન્ઝિનની સાથે સાથે સ્લોપ ટેન્કોનો સમાવેશ થાય છે.સ્લોપ ટેન્કોમાં ક્રુડ ઓઈલ પર પ્રોસેસ કરવામાં આવતો હોય છે.આ ટેન્કોને બચાવી લેવા માટે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.આ માટે જે ટેન્કમાં આગ લાગી છે તેના પર બપોરથી સતત પાણીનો અને કેમિકલ ફોમનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.આ કામગીરી આખી રાત ચાલુ રાખવી પડશે.જેથી બીજી ટેન્કોને અસર ના થાય.
રિફાઈનરીની કર્મચારી આલમમાં એવી પણ ચર્ચા છે કે, રિફાઈનરીમાં હવે વધારેને વધારે કામગીરીઓ કોન્ટ્રાકટ પરના કર્મચારીઓને સોંપવામાં આવી રહી છે.કોન્ટ્રાકટ પરના કર્મચારીઓ નિયમિત કર્મચારીઓ જેટલા ભણેલા નથી હોતા અને તેના કારણે અકસ્માત થવાનો ભય વધી જાય છે તેમજ સંવેદનશીલ કામગીરી આપીને કોન્ટ્રાકટ પરના કર્મચારીઓનો જીવ પણ જોખમમાં મૂકવામાં આવી રહ્યો છે.