ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવવા હિન્દુ ધર્મનું શિક્ષણ જરુરી
વડોદરાઃ પશ્ચિમના આધુનિક મૂલ્યોના પ્રભાવ વચ્ચે હિન્દુ સંસ્કૃતિ, પરંપરાઓને જાળવવી હશે તો હિન્દુ ધર્મનુ પધ્ધતિસરનુ શિક્ષણ બહુ જરુરી છે તેમ ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે સંકળાયેલા સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝના સ્થાપક પ્રો.શૌનક ઋષિ દાસે પોતાના વક્તવ્યમાં કહ્યુ હતુ.
સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ અને એમ.એસ.યુનિવર્સિટી વચ્ચે થયેલા એમઓયુના ઉપક્રમે આજે યુનિવર્સિટીની મુલાકાતે આવેલા પ્રો.શૌનક દાસના એક વકતવ્યનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં તેમણે કહ્યુ હતુ કે, ભારતમાં આઝાદી બાદ શિક્ષણમાં ધાર્મિક શિક્ષણને સામલે નહીં કરવાનો નિર્ણય મારી દ્રષ્ટિએ ભૂલ ભરેલો હતો.હિન્દુ ધર્મનુ તત્વજ્ઞાાન અને તેનો હાર્દ વિદ્યાર્થીઓને ભણાવવાની બહુ જરુર છે.ભારતીયોએ હિન્દુ ધર્મ અંગે વિશ્વમાં જે પણ ગેરસમજ છે તે દૂર કરવી હશે તો તેની સાચી જાણકારી આપવી પડશે અને તે માટે તેમણે પોતે હિન્દુ ધર્મના વિવિધ ગ્રંથોનો અભ્યાસ કરવો જોઈએ.ભારતમાં રહેતા હિન્દુઓએ પોતે પણ વધારે ઉંડાણપૂર્વક હિન્દુ ધર્મને સમજવાની જરુર છે.
મૂળ આર્યલેન્ડના નાગરિક એવા પ્રો.શૌનકે કહ્યુ હતુ કે, હિન્દુ ધર્મના ઘણા એવા સિધ્ધાંતો છે જે તેને દુનિયાના બીજા ધર્મો કરતા અલગ પાડે છે.જેમ કે આજે આધુનિક વિશ્વ હ્યુમન રાઈટસ(માનવાધિકાર)ની વાત કરે છે ત્યારે હિન્દુ ધર્મમાં રાઈટ હ્યુમન(સાચા વ્યક્તિ)બનવા પર ભાર મુકાયો છે.આખા મહાભારતમાં રાઈટ હ્યુમન બનવાની વાત કહેવામાં આવી છે.જો તમે રાઈટ હ્યુમન એટલે કે સાચા વ્યક્તિ બનશો તો બીજાની કાળજી લેવાનુ વિચારશો અને તેનાથી બીજાના માનવાધિકારની આપોઆપ જાળવણી થશે.તેમણે કહ્યુ હતુ કે, હિન્દુ ધર્મમાં માત્ર મનુષ્ય નહીં પણ દરેક સજીવના અધિકારને મહત્વ અપાયુ છે.જો આ મુદ્દાને કેન્દ્રમાં રાખવામાં આવે તો પર્યાવરણ જાળવણી માટેના અત્યારે દુનિયામાં થઈ રહેલા પ્રયાસોને ભારત નવી દિશા આપી શકે છે.
જાણકારીના અભાવે દુનિયામાં હિન્દુ ધર્મ અંગે ઘણી ગેરસમજો
પ્રો.શૌનક દાસે એક વાતચીતમાં કહ્યુ હતુ કે, દુનિયાની ઘણી શૈક્ષણિક સંસ્થાઓમાં હિન્દુ ધર્મ અંગે ગેરસમજો છે અને તેનુ કારણ હિન્દુ ધર્મ અંગેની પૂરતી જાણકારીનો અભાવ છે.
સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, હિન્દુ ધર્મના જે સિધ્ધાંતો છે તેની સાથે હિન્દુ રાષ્ટ્રની કલ્પનાનો મેળ ખાતો નથી.કારણકે હિન્દુ ધર્મ તમામ પ્રકારની વિચારધારાઓને સમાવવાની વાત કરે છે, સ્વતંત્રતાની, પ્રશ્નો પૂછવાની મોકળાશ પર આધારિત છે.સાથે સાથે હિન્દુ ધર્મની પરંપરાઓ, રીતિ રિવાજો, ખાન પાનમાં ભારે વિવિધતાઓ છે.હિન્દુ ધર્મમાં સેંકડો સંપ્રદાયો છે.હિન્દુ ધર્મ માત્ર ગ્રંથો પૂરતો સિમિત નથી.તે કવિતા, સંગીત, નાટક જેવી કલાઓ સાથે પણ વણાયેલો છે.આ બાબતોને જોતા હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો નિર્ણય યોગ્ય સાબિત થાય કે નહીં તે અંગે હું ચોક્કસપણે કહી શકુ તેમ નથી.
પ્રો.શૌનકે કહ્યુ હતુ કે, મને હિન્દુ ધર્મની એક વાત બહુ ગમે છે.હિન્દુ ધર્મની વિચારધારા સત્યની શોધને મહત્વ આપે છે.દરેક વ્યક્તિ પોતાને થયેલા અનુભવને એ પરિપ્રેક્ષ્યમાં જોઈ શકે છે.આ એક એવો ધર્મ છે જેમાં ધાર્મિકતા, અનુભવો, રેશનાલિટી અને સાયન્સનો પણ સંગમ થયેલો છે.
સંયુક્ત રીતે સેન્ટર ફોર એક્સેલન્સ શરુ કરાશે
એમ.એસ.યુનિવર્સિટી તેમજ ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે સંલગ્ન સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ દ્વારા હવે સંયુક્ત રીતે સેન્ટર ફોર એક્સેલન્સ શરુ કરવાનુ નક્કી થયુ છે.
બ્રિટનના સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝના સ્થાપક પ્રો.શૌનક ઋષિ દાસે પોતાના વક્તવ્ય દરમિયાન સેન્ટર ફોર એક્સેલન્સની સ્થાપના માટે પ્રસ્તાવ મુકયો હતો અને તેને યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.વિજય શ્રીવાસ્તવે સ્વીકાર્યો હતો.
પ્રો.શ્રીવાસ્તવે કહ્યુ હતુ કે, અગાઉ થયેલા એમઓયુને આગળ વધારવાના ભાગરુપે સેન્ટર ફોર એક્સેલન્સની સ્થાપના કરીને તેના થકી વિદ્યાર્થીઓને હિન્દુ ધર્મને લગતા ડિગ્રી, સર્ટિફિકેટ અને પીએચડીના કોર્સ પણ ઓફર કરવાની વ્યાપક તકો રહેલી છે.બંને સંસ્થાઓ આ દિશામાં કામ કરશે.