ભૂખી કાંસના કિનારે બનાવાયેલી ઈકો રિસ્ટોરેશન સાઈટના કારણે કિનારાનું ધોવાણ અટકયું
વડોદરાઃ વિશ્વામિત્રીમાં આવેલા મહાવિનાશક પૂરના કારણે વિશ્વામિત્રીના બંને કિનારે માટીનું ઠેર ઠેર ધોવાણ થયું છે.એમ.એસ.યુનિવર્સિટીમાંથી પસાર થતા અને વિશ્વામિત્રીને મળતા ભૂખી કાંસના બંને કિનારે પણ આ જ સ્થિતિ છે.
જોકે સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ભૂખી કાંસના કિનારે એક હિસ્સામાં બનાવેલી ઈકો રિસ્ટોરેશન સાઈટના કારણે માટીનું ધોવાણ અટકયું છે.ઈકો રિસ્ટોરેશન સાઈટના ફાયદા પૂરના પાણી ઉતર્યા બાદ જોવા મળી રહ્યાં છે.
૨૦૨૦માં ભૂખી કાંસના કિનારાની એક તરફ ૬૦૦ મીટરના પટમાં ઈકો રિસ્ટોરેશન સાઈટને વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને એક વર્ષ દરમિયાન બોટની વિભાગના વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકોએ મહેનત કરીને આ વિસ્તારમાં ૫૦૦૦ કરતા વધારે નાના મોટા વૃક્ષોનું વાવેતર કર્યું હતું.
આ કામગીરી સાથે સંકળાયેલા બોટની વિભાગના વરિષ્ઠ અધ્યાપક પ્રો.નાગર કહે છે કે, અહીંંયા ઉગાડવા માટે જે વૃક્ષો પસંદ કરવામાં આવ્યા હતા તેની ખાસિયત એ છે કે, તેના મૂળિયા માટીને પકડી રાખે છે.પૂરમાં તેની અસર જોવા મળી છે.ઈકો રિસ્ટોરેશન સાઈટના વિસ્તારમાં માટીનું ધોવાણ નથી થયું અને સામા કિનારે ફાઈન આર્ટસની તરફ ભૂખી કાંસના કિનારા પર ભારે ધોવાણ જોવા મળી રહ્યું છે.
તેમનું કહેવું છે કે, શહેરમાં ઘણા ઠેકાણે વિશ્વામિત્રીના કિનારાનું ધોવાણ થયું છે.એનુ એક કારણ એ પણ છે કે, નદીના પટની બંને તરફ વૃક્ષો કે પ્લાન્ટસ નથી માટી પાણીના પ્રચંડ વેગમાં વહી ગઈ છે.
ધોવાણના કારણે ભૂખી કાંસ કેટલીક જગ્યાએ ૨૦ મીટર પહોળો થઈ ગયો
યુનિવર્સિટી કેમ્પસમાં ઈકો રિસ્ટોરેશન સાઈટ સિવાયના હિસ્સામાં ભૂખી કાંસનુ થઈ રહેલું ધોવાણ ચિંતાનો વિષય બન્યું છે.કેટલીક જગ્યાએ તો ભૂખી કાંસ ૨૦ મીટર પહોળો થઈ ગયો છે.જે પહેલા ૧૦ મીટર હતો.આ કાંસના કિનારે યુનિવર્સિટીના ઘણા બિલ્ડિંગો આવેલા છે.તાજેતરના પૂરના કારણે ધોવાણ વધ્યું છે અને ભવિષ્યમાં ઘણી ઇમારતો માટે આ ધોવાણ ખતરો બની શકે છે.આ અંગે યુનિવર્સિટી સત્તાધીશોએ તાત્કાલિક કોઈ કાર્યવાહી કરવી પડશે.
બોટનિકલ ગાર્ડનમાં ૯૦ વર્ષ જૂના ૩ હેરિટેજ વૃક્ષો ધરાશાયી
પૂરના કારણે એમ.એસ.યુનિવર્સિટીના બોટનિકલ ગાર્ડન અને આર્બોરેટમમાં ચાર હેરિટેજ વૃક્ષો ધરાશાયી થયા છે.જેમાંથી લીમડાના ૩ વૃક્ષો તો ૯૦ વર્ષ જૂના છે.જ્યારે એક વૃક્ષ ૬૦ વર્ષ જૂનું અને એક વૃક્ષ ૧૦ વર્ષ જૂનું છે.બોટની વિભાગના અધ્યાપક ડો.નાગરનું કહેવું છે કે, નાણાકીય રીતે જોવામાં આવે તો લીમડાના ૩ વૃક્ષો પડી જવાથી થયેલું નુકસાન ૨ કરોડ રુપિયા જેટલું છે.આ ઉપરાંત ૭૦ જાતના મેડિસિનલ પ્લાન્ટસ, ૭૦ પ્રકારના બિયારણના નમૂના પણ પૂરના પાણી સાથે વહી ગયા છે.ગાર્ડનમાં આવેલા ગ્રીન હાઉસ, ઓપન ક્લાસ થિયેટર સહિત નુકસાનીનો આંકડો ગણવામાં આવે તો ૨.૨૫ કરોડ રુપિયા થવા જાય છે.