ખાનગી સ્કૂલોને ટક્કર મારે તેવી ઈકો ફ્રેન્ડલી સરકારી સ્કૂલ બનાવી
વડોદરાઃ શહેરના છેવાડે કોયલી ગામમાં ઈન્દિરાનગર વસાહતની નજીક આવેલી સરકારી પ્રાથમિક સ્કૂલને જોઈને પહેલો સવાલ એ થાય કે, આ મોંઘીદાટ ફી લેતી કોઈ ખાનગી સ્કૂલ તો નથી ને? છેલ્લા આઠ વર્ષમાં સ્કૂલના આચાર્ય અને શિક્ષકોએ આ સ્કૂલની પ્રાઈવેટ સ્કૂલને હંફાવી દે તેવી કાયાપલટ કરી છે.
વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ, સોલર પેનલ્સ અને વોટર હાર્વેસ્ટિંગ એમ ત્રણે પ્રકારની સુવિધા ધરાવતી આ શહેર જિલ્લાની પહેલી સરકારી સ્કૂલ છે.આચાર્ય રાકેશ પટેલે ૨૦૧૪માં આ સ્કૂલનો ચાર્જ સંભાળ્યો ત્યારે સ્કૂલનુ બિલ્ડિંગ ખખડધજ હાલતમાં હતુ.ક્લાસરુમ પર પતરા હતા અને એ પછી તેમણે આ સ્કૂલના મેકઓવરનુ બીડુ ઝડપ્યુ હતુ.
રાકેશ પટેલે એનજીઓ, વિવિધ કંપનીની સીએસઆર સ્કીમ, સરકારી ગ્રાન્ટ, લોકો પાસેથી ડોનેશન એમ જે પણ રસ્તે સહાય મળતી હતી તેનો ઉપયોગ કરીને સ્કૂલને નવા જ રંગ રુપમાં સજાવી દીધી છે.સ્કૂલના તમામ ૧૦ ક્લાસરુમ નવેસરથી બાંધવામાં છે.પ્રાઈવેટ સ્કૂલો જેવી તમામ સુવિધાઓ સ્કૂલમાં મોજુદ છે.વિદ્યાર્થીઓ વર્મી કમ્પોસ્ટકેવી રીતે બનાવવુ તે શીખે છે.જથી તેઓ ભવિષ્યમાં બીજો કોઈ વિકલ્પ ના હોય તો ખાતર પણ વેચી શકે.ચોમાસામાં સ્કૂલનો ટયુબવેલ રીચાર્જ કરવા માટે વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેકટ શરુ કરાયો છે.જેનાથી સ્કૂલમાં પાણની સમસ્યા નથી.ત્રણ કેવીની સોલાર પેનલ લગાડવાના કારણે સ્કૂલનુ લાઈટ બિલ ઝીરો થઈ ગયુ છે અને ઉલટાનુ હવે સ્કૂલને વધારાના પૈસા દર વર્ષે સોલર એનર્જી પ્રોડક્શનમાંથી મળતા થઈ ગયા છે.
આચાર્ય રાકેશ પટેલ કહે છે કે, ગામડાઓમાં સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી હોય છે.મારે ત્યાં ઉલટુ છે.આજે ધો.૧ થી ૮માં અમારી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા ૨૫૦ થી વધીને ૩૧૭ થઈ ગઈ છે.કેટલાક વાલીઓ એવા છે જેમણે પોતાના બાળકોને પ્રાઈવેટ સ્કૂલમાંથી ઉઠાડીને મારી સ્કૂલમાં ભણવા માટે મુકયા છે.સ્કૂલમાં મળતી સુવિધાઓની હકારાત્કમ અસર વિદ્યાર્થીઓ પડી રહી છે.તેમના પરિણામમાં પણ સુધારો થઈ રહ્યો છે.દર વર્ષે અમે દાતાઓની મદદથી વિદ્યાર્થીઓને યુનિફોર્મ, પાઠય પુસ્તકો, નોટબૂકો પણ અપાવીએ છે.તેઓ કહે છે કે, સ્કૂલમાં જે પણ પ્રવૃત્તિઓ છે તેમાં બાળકોને સામેલ કરવામાં આવે છે.સ્કૂલમાં જે પણ સુવિધાઓ છે તે સાચવવાની જવાબદારી પણ તેમને જ સોંપી દેવામાં આવી છે.જેનાથી સ્કૂલમાં શિસ્ત પણ જળવાય છે.
આઉટડોર લાઈબ્રેરી, બોટનિકલ ગાર્ડન સહિતની સ્કૂલની આગવી વિશેષતાઓ
--રમત ગમતના સાધનો તેમજ મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટસ
--અદ્યતન ફર્નિચર સાથેની ઈન્ડોર અને ઓપન લાઈબ્રેરી
--ઔષધિય વનસ્પતિઓનુ મહત્વ સમજાવવા નાનકડો બોટનિકલ ગાર્ડન
-- વિદ્યાર્થીઓને અપાયેલા વિશેષ શિક્ષણના કારણે પ્લાસ્ટિક ફ્રી કેમ્પસ
--ત્રણ સ્માર્ટ ક્લાસ, બાકીના તમામ ક્લાસમાં સ્માર્ટ ટીવી, વધ બે સ્માર્ટ ક્લાસ હવે બનશે
--દરેક ક્લાસમાં આઠ ટયુબ લાઈટ અને ચાર પંખાઓ
--પીવાના પાણી માટે આરઓ મશિન, દરેક ક્લાસની બહાર પાણીનો જગ મુકાય છે
--પક્ષીઓ માટે ચબૂતરો, જ્યાં રોજ બાળકો ચણ નાંખે છે
--શાળાની અને કમ્પાઉન્ડની દીવાલ પર શિક્ષણનુ મહત્વ સમજાવતા પેઈન્ટિંગ
--વિદ્યાર્થીઓ માટે સ્કૂલમાંથી જ જમવાની પ્લેટની સુવિધા
જન્મદિવસે વિદ્યાર્થીઓએ ચોકલેટ નહીં પણ સાબુ લાવવાનો
આચાર્ય રાકેશ પટેલ કહે છે કે, જન્મ દિવસે સ્કૂલમાં સામાન્ય રીતે બાળકો પોતાના સહાધ્યાયીઓ અને શિક્ષકોને ચોકલેટ આપવા માટે લાવતા હોય છે.અમે બાળકોને સમજાવીને જન્મ દિવસે એક સાબુ લાવવાની પ્રથા શરુ કરી છે.સાબુથી હાથ ધોવા એક અલાયદી જગ્યા બનાવાઈ છે.જ્યાં આ સાબુ મુકવામાં આવે છે અને જમતા પહેલા વિદ્યાર્થીઓ આ સાબુથી ત્યાં હાથ ધુએ તેવી ટેવ પાડવામાં આવી છે.
વાલીઓ માટે વોટસએપ ગુ્રપ શરુ કરનાર પહેલી સરકારી સ્કૂલ
ઈન્દિરાનગરની સ્કૂલ ૨૦૧૪માં વોટસએપથી વાલીઓને વિદ્યાર્થીઓ અંગે તેમજ સ્કૂલ અંગે અપડેટ મોકલવનાર પહેલી સરકારી સ્કૂલ બની હતી.સ્કૂલના જે પણ વાલીઓ પાસે સ્માર્ટ ફોન હતા તેમનુ એક વોટસએપ ગુ્રપ બનાવાયુ હતુ અને તે સમયે રાજ્યની મુલાકાતે આવેલા યુનિસેફના પ્રતિનિધિએ પણ આ વાતની નોંધ લીધી હતી.