મહિલા અધ્યાપકોએ સોલર પેનલથી સજ્જ નવતર ઈકો ફ્રેન્ડલી ફૂડ સ્ટોલ ડિઝાઈન કર્યો
વડોદરાઃ વડોદરા ઘરની છત પર સોલર પેનલો લગાવવામાં મોખરે છે અને તેના કારણે લોકોના વીજ બિલમાં પણ ખાસી બચત થઈ રહી છે.આ જ પ્રકારની સોલર પેનલનો ઉપયોગ ખાણી પીણીની લારીઓ તથા સ્ટોલ પર પણ થઈ શકે છે તેવા નવતર વિચાર સાથે એમ.એસ.યુનિવર્સિટીની હોમસાયન્સ ફેકલ્ટીના અધ્યાપકોએ સોલર ફૂડ સ્ટોલ ડિઝાઈન કર્યો છે.આ ફૂડ સ્ટોલ ગેસ સિલિન્ડર પર આધાર રાખતા ખાણી પીણીની લારીઓવાળા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ફૂડ સ્ટોલને ડિઝાઈન કરનાર હોમસાયન્સ ફેકલ્ટીના બે અધ્યાપકો ડો.સરજૂ પટેલ અને ડો.ઉર્વશી મહેરાએ તેની પેટન્ટ માટે પણ એપ્લાય કર્યુ છે.ડો.સરજૂ પટેલ કહે છે કે, સોલર ફૂડ સ્ટોલ ડિઝાઈન કરતા પહેલા અમે શહેરની ખાણી પીણીની ૩૦૦ જેટલી લારીઓ તેમજ સ્ટોલનો સર્વે કર્યો હતો.લારીઓ અને ફૂડ સ્ટોલ પર વાનગીઓ બનાવવા માટે મોટાભાગે ગેસ સિલિન્ડરનો ઉપયોગ થાય છે.વડોદરામાં આવી હજારો લારીઓ છે ત્યારે સોલર એનર્જી તેમના માટે આદર્શ અને ઈકો ફ્રેન્ડલી વિકલ્પ પણ બની શકે છે.
ડો.સરજૂ પટેલ અન ડો.ઉર્વશી મહેરાએ આ સર્વેના આધારે ફૂડ સ્ટોલની ડિઝાઈન બનાવીને તેનો એક પ્રોટો ટાઈપ પણ તૈયાર કર્યો છે.આ સ્ટોલ પર તેમણે બજારમાં વેચાતા નાસ્તા સોલર એનર્જીની મદદથી બનાવ્યા પણ છે.બંને અધ્યાપકોનુ કહેવુ છે કે, અમે બે કિલોવોટની પેનલ લગાડી હતી.આ પેનલ રોટેટ પણ થઈ શકે છે.તેમાંથી ઉત્પન્ન થતી સોલર એનર્જીનો સંગ્રહ ઈન્વર્ટરમાં કર્યો હતો અને તેનો ઉપયોગ ઈલેક્ટ્રિક સગડી પર કર્યો હતો.રાંધણ ગેસના ઉપયોગથી જે પણ નાસ્તા લારીઓ પર બને છે તે તમામ અમે આ સ્ટોલમાં બનાવ્યા હતા.સોલર એનર્જી સેટઅપ માટે સોલર પેનલ સહિત, બેટરી, વાયરિંગ, સગડી સહિતનો ખર્ચ ૧.૩૦ લાખ જેટલો થાય છે પણ સોલર એનર્જીના કારણે લાંબા ગાળે સોલર ફૂડ સ્ટોલ ફાયદાકારક સાબિત થઈ શકે છે.સોલર પેનલનુ સ્ટ્રક્ચર લારી પર પણ ઉભુ કરી શકાય તેમ છે.જ્યારે રાત્રી બજાર જેવી જગ્યાઓ પર એક જ જગ્યાએ સ્થાયી ફૂડ સ્ટોલના સંચાલકો કાયમી ધોરણે એક જ જગ્યાએ સોલર પેનલ લગાડી શકે છે.